‘બેશરમ રંગ’ને લઈને ચાલતા વિવાદ પર તેણે આવું કહ્યું
હની સિંહ
સિંગર યો યો હની સિંહને લાગે છે કે લોકો હવે વધારે સંવેદનશીલ બની ગયા છે. હાલમાં ‘પઠાન’ના ‘બેશરમ રંગ’ ગીતને લઈને દેશમાં વિવાદનો વંટોળ ફૂંકાયો છે એને લઈને તેણે આવું જણાવ્યું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે કેસરી બિકિની પહેરી છે એને લઈને કેટલાંક હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. એવામાં આ ફિલ્મના સપોર્ટમાં આવતાં હની સિંહે કહ્યું કે ‘આઝાદી તો ઘણા સમય અગાઉ મળી હતી. લોકો એટલા શિક્ષિત નહોતા, પરંતુ તેઓ વધુ સમજદાર હતા. તેઓ બુદ્ધિમત્તાથી બુદ્ધિશાળી હતા અને તેઓ વસ્તુસ્થિતિને માત્ર મનોરંજન તરીકે ગણતા હતા. તેઓ કોઈ વસ્તુને દિલ પર નહોતા લેતા. એ. આર. રહમાનનું એક ગીત આવ્યું હતું, ‘રુકમણી રુકમણી શાદી કે બાદ ક્યા ક્યા હુઆ.’ લોકોએ એનો સ્વીકાર કર્યો હતો. હું એને સાંભળીને જ મોટો થયો છું. જોકે હું જ્યારે આવા લિરિક્સ લખીશ તો લોકો વિરોધ કરવાનું શરૂ કરશે. હવે તો સ્થિતિ ખૂબ ખરાબ બની ગઈ છે. લોકો વધારે પડતા સંવેદનશીલ બની ગયા છે. એના કારણની મને નથી ખબર. આ તો માત્ર એક મનોરંજન છે. એ વખતના લોકો ખૂબ ઇન્ટેલિજન્ટ હતા. તેઓ શાયરીને સમજતા હતા અને તેમને એમાં કાંઈ ગંદું નહોતું દેખાતું. હવે તો જો કોઈ ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત બનાવશે તો લોકો તેમના માથા પર ચડી બેસશે અને પૂછશે કે આ શું બનાવ્યું છે?’