મારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તેને જે કૅરૅક્ટર્સ પસંદ આવે છે લોકોને એ નથી ગમતાં. તેને ડ્રાય કૅરૅક્ટર્સ ભજવવાં ગમે છે, પરંતુ ખૂબ ઓછા લોકોને એ ગમે છે. તે છેલ્લા બે દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. પોતાનાં વિવિધ કૅરૅક્ટર્સ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘જે કૅરૅક્ટર્સ મારાં ફેવરિટ છે એને મોટા ભાગે લોકો પસંદ નથી કરતા. ‘ફોટોગ્રાફ’માં મારું ભજવેલું સ્ટ્રીટ ફોટોગ્રાફર રફીનું પાત્ર મને ગમે છે. ‘પતંગ’માં વેડિંગ-બૅન્ડ સિંગરનું કૅરૅક્ટર ચક્કુ મને પસંદ છે, કેમ કે એમાં મારે વધારે ઍક્ટિંગ કરવાની જરૂર નહોતી પડી. એ બધા પાત્રમાં મારે એક સામાન્ય માણસ બનવાનું હતું જેના માટે કોઈ ખાસ ક્વૉલિટીઝ નહોતી દેખાડવાની અને ઓછો ડ્રામા કરવાનો હતો. જોકે આવા પ્રકારનાં પાત્રો લોકોને નથી ગમતાં. હું એમ નથી કહેતો કે દર્શકો ખોટા છે. વાત માત્ર એટલી જ છે કે મારી પસંદ અને નાપસંદ અલગ છે. લોકોને થોડોઘણો ડ્રામા અને ઇમોશન્સ પસંદ છે. સ્પષ્ટપણે કહું તો મને ડ્રાય કૅરૅક્ટર્સ ભજવવાં ગમે છે જેમાં વધારે પડતાં ઇમોશન્સ ન હોય. રિયલ લાઇફમાં લોકો રસ્તા પર ઊભા રહીને રડતા નથી. જોકે ફિલ્મોમાં બે ઇમોશન્સ જેમ કે ખુશી અને દર્દ બન્ને દેખાતાં હોય છે.’
નવાઝુદ્દીન સિદ્દીકીએ લંડનમાં ‘સંગીન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે એલનાઝ નવરોજી પણ જોવા મળશે. આ બન્નેએ ‘સેક્રેડ ગેમ્સ’માં પણ સાથે કામ કર્યું હતું. જયદીપ ચોપડા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. નવાઝુદ્દીને પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે બ્લૅક આઉટફિટ્સ અને ફેસ માસ્ક પહેર્યા છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતાં ખાસ સલામતી રાખવામાં આવી રહી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી કે ‘લંડન પહોંચી ગયો છું. સ્થિતિ કપરી છે એ જાણીએ છીએ, પરંતુ શો મસ્ટ ગો ઑન.’

