શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મે ગઈ કાલે આમિર ખાનની ‘દંગલ’નો લાઇફટાઇમ બિઝનેસ ક્રૉસ કર્યો હતો.
‘દંગલ’ના બિઝનેસને ટક્કર મારી ‘પઠાન’એ
શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મે ગઈ કાલે આમિર ખાનની ‘દંગલ’નો લાઇફટાઇમ બિઝનેસ ક્રૉસ કર્યો હતો. આમિરની ‘દંગલ’એ દરેક ભાષામાં ટોટલ ૩૮૭.૩૮નો બિઝનેસ કર્યો હતો. શાહરુખની ‘પઠાન’એ શુક્રવાર સુધી ટોટલ ૩૭૮.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસમાં હિન્દી વર્ઝનમાં ૩૬૪.૫૦ કરોડ અને તામિલ તથા તેલુગુના ૧૩.૬૫ કરોડ સાથે ટોટલ ૩૭૮.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શનિવારે એટલે કે ગઈ કાલના બિઝનેસ સાથે આ ફિલ્મ ‘દંગલ’ કરતાં આગળ નીકળી ગઈ છે. ‘દંગલ’ના બિઝનેસને ક્રૉસ કરવા માટે ‘પઠાન’ને ફક્ત ૯.૨૩ કરોડની જરૂર છે. શુક્રવારે ‘પઠાન’એ ૧૩.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. શનિવાર એટલે કે વીક-એન્ડ હોવાથી ફિલ્મે શુક્રવાર કરતાં વધુ બિઝનેસ કર્યો હોવાની આશા છે અને એથી જ ફિલ્મે ‘દંગલ’નો બિઝનેસ ક્રૉસ કર્યો છે. આ બિઝનેસ ક્રૉસ કરતાં ‘પઠાન’ બૉલીવુડની સૌથી વધુ બિઝનેસ કરનાર ફિલ્મ બની છે. તે હવે ૪૦૦ કરોડની ક્લબમાં જનારી બૉલીવુડની પહેલી ફિલ્મ બનવાની છે. આ ક્લબમાં અત્યાર સુધી ‘બાહુબલી 2’ અને ‘કેજીએફ 2’નો સમાવેશ હતો. ‘કેજીએફ 2’નો રેકૉર્ડ એક વાર ‘પઠાન’ તોડી શકે એમ છે, પરંતુ ‘બાહુબલી 2’નો ૫૧૦.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ થોડો મુશ્કેલ લાગે છે.
‘ડંકી’ કેમ સ્પેશ્યલ છે શાહરુખ માટે?
શાહરુખ ખાનનું કહેવું છે કે તેને માટે ‘ડંકી’ સ્પેશ્યલ ફિલ્મ છે. શાહરુખે તેની ‘પઠાન’ને ફક્ત અને ફક્ત ટ્વિટર પર પ્રમોટ કરી હતી. તેણે તેના ચાહકો સાથે વાતચીત કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ ખૂબ સારો બિઝનેસ કરી રહી છે એથી શાહરુખ હજી વધુ ને વધુ તેના ફૅન્સ સાથે સોશ્યલ મીડિયા પર વાત કરી રહ્યો છે. ‘ડંકી’ કેમ તેને માટે સ્પેશ્યલ છે એ વિશે પૂછવામાં આવતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘રાજુ. રાજુ. રાજુ અને અભિજાત. અભિજાત.’
આ ફિલ્મમાં રાજકુમાર હીરાણી અને શાહરુખ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. ‘ડંકી’ રાજકુમાર હીરાણી, અભિજાત જોશી અને કનિકા ઢિલ્લને લખી છે. રાજકુમાર હીરાણી અને ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં શાહરુખ સાથે તાપસી પન્નુ કામ કરી રહી છે.