૪૦૦ કરોડનો બિઝનેસ કરનારી ‘પઠાન’ બૉલીવુડની પહેલી ફિલ્મ
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન
અમેરિકન જર્નલિસ્ટ દ્વારા શાહરુખને ભારતનો ટૉમ ક્રૂઝ કહેવાવું ‘પઠાન’ના ફૅન્સને પસંદ નથી પડ્યું. શાહરુખના ફૅન્સનું કહેવું છે કે બન્ને વચ્ચે સરખામણી ન કરવી જોઈએ. ટ્વિટર પર કૅલિફૉર્નિયાના જર્નલિસ્ટ સ્કૉટ મેન્ડલસને ટ્વીટ કર્યું કે ‘શાહરુખ ભારતનો ટૉમ ક્રૂઝ છે. તેણે બ્લૉકબસ્ટર ‘પઠાન’ દ્વારા બૉલીવુડને બચાવ્યું છે.’
તેના આ ટ્વીટ પર એક ફૅને કમેન્ટ કરી કે ‘શાહરુખ એ શાહરુખ છે, તે ટૉમ ક્રૂઝ નથી. હું તો બન્નેની ફૅન છું, પરંતુ તેમની સરખામણી ન કરો.’
ADVERTISEMENT
તો અન્યએ લખ્યું કે ‘ભારતીય કલાકારોનું અપમાન કર્યા વગર જો તમે ન લખી શકતા હો તો આર્ટિકલ ન લખો. શાહરુખ ખાન આખા વિશ્વમાં શાહરુખ ખાન તરીકે જ ઓળખાય છે ન કે ‘ઇન્ડિયાના ટૉમ ક્રૂઝ’ તરીકે.’
અન્ય એક ફૅને લખ્યું કે ‘આ અપમાન છે. મને એક વાત જણાવો કે ટૉમ ક્રૂઝે ચાલતી ટ્રેન પર ક્યારે અઘરો ડાન્સ કર્યો હતો? તો જ હું આ વાત માનીશ.’ એકે લખ્યું કે ‘શાહરુખ ખાનને ‘ઇન્ડિયાના ટૉમ ક્રૂઝ’ કહેવું એ અપમાનકારક અને તદ્દન ખોટું છે.’
પચીસ જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘પઠાન’ના હિન્દી વર્ઝને ૧૧ દિવસમાં ૪૦૧.૪૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આવી રીતે તે ચારસો કરોડની ક્લબમાં સામેલ થનારી પહેલી બૉલીવુડની ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની રિલીઝ અગાઉ એનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફિલ્મ દેશવિદેશમાં કલેક્શનની દૃષ્ટિએ તોફાન મચાવી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ જોવા મળી રહ્યાં છે. સિદ્ધાર્થ આનંદે ફિલ્મને ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે એને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી છે. આ બન્ને ભાષાનું અત્યાર સુધીનું કલેક્શન ૧૪.૪૦ કરોડ થયું છે. વાત કરીએ ‘પઠાન’ના હિન્દી વર્ઝનની તો પહેલા વીક-એન્ડમાં ૨૭૧ કરોડનો બિઝનેસ કર્યો હતો. તો બીજા વીક-એન્ડનું કલેક્શન મળીને રવિવાર સુધીમાં ‘પઠાન’ના હિન્દી વર્ઝને ૪૦૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આવી રીતે ‘પઠાન’ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ બની ગઈ છે, જેણે ૪૦૦ કરોડનો બિઝનેસ કર્યો હોય.