હવે ફાઇનલી તેને ‘માસ્ટર સ્કૂબા ડાઇવર’નું ટાઇટલ મળી ગયું છે
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા હવે સ્કૂબા ડાઇવિંગમાં માસ્ટર બની ગઈ છે. સ્કૂબા ડાઇવિંગ તેનો શોખ છે. તે છેલ્લાં ૯ વર્ષથી એની ટ્રેઇનિંગ લઈ રહી હતી. એ દરમ્યાન રેસ્ક્યુ સેશન વિશે પણ માહિતી લીધી હતી અને તેણે ૧૦૦થી પણ વધુ વખત સમુદ્રમાં છલાંગ લગાવી છે. હવે ફાઇનલી તેને ‘માસ્ટર સ્કૂબા ડાઇવર’નું ટાઇટલ મળી ગયું છે. તેણે PADI એટલે કે પ્રોફેશનલ અસોસિએશન ઑફ ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર્સ પાસેથી ટ્રેઇનિંગ લીધી હતી. પોતાની જર્નીનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘હું હવે માસ્ટર સ્કૂબા ડાઇવર છું. મારા માટે આ અદ્ભુત લાગણી છે. ૯ વર્ષનું મારું સપનું આખરે પૂરું થયું છે. એ બધાં વર્ષો દરમ્યાન મેં ધ્યાન કેન્દ્રિત કર્યું, રેસ્ક્યુ ટ્રેઇનિંગ લીધી અને મારી સખત મહેનતનું ફળ મને મળ્યું છે. હું સન્માનિત અનુભવી રહી છું અને PADIએ આપેલા સપોર્ટ, ટ્રેઇનિંગ અને મારી આ જર્નીમાં કરેલી મદદ માટે તેમનો આભાર માનું છું. તમે મારા માટે હવે એક ફૅમિલી જેવા છો. સાથે જ અનીસ અને શમીન અદેનવાલાનો પણ આભાર માનું છું. તમે હંમેશાં મારા ડાઇવ પેરન્ટ્સ રહેશો. ફરીથી ડાઇવ કરવા માટે આતુર છું.’