તેઓ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. તેમને કૅન્સર થયું હોવાની વાતો બહાર આવી રહી છે.
પંકજ ઉદહાસ
પંકજ ઉધાસના આજે વરલીમાં બપોરે ૩ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનું ૭૨ વર્ષની ઉંમરે એટલે કે ગઈ કાલે મૃત્યુ થયું છે. તેઓ બીમાર હતા અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. તેઓ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. તેમને કૅન્સર થયું હોવાની વાતો બહાર આવી રહી છે. તેમની દીકરી નાયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા. નાયાબે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ શૅર કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે ‘ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવી રહ્યા છીએ કે પદ્મશ્રી પંકજ ઉધાસનું ૨૦૨૪ની ૨૬ ફેબ્રુઆરીએ બીમારીને કારણે અવસાન થયું છે. – ઉધાસ ફૅમિલી.’
કોણે શું કહ્યું?
પંકજ ઉધાસજીના નિધનથી અમે દુખી છીએ. તેમના સિન્ગિંગમાં વિવિધ ઇમોશન્સ છલકાતાં હતાં અને તેમની ગઝલ તો સીધી જ દિલમાં ઊતરી જતી હતી. તેમણે ભારતીય સંગીતને પ્રકાશમય કર્યું છે. તેમની મેલડીઝ અનેક પેઢીઓ સુધી પહોંચી છે. તેમની સાથે થયેલી વાતો મને આજે પણ યાદ છે. તેમની વિદાયથી સંગીત જગતમાં એક મોટી ખોટ રહી ગઈ છે, જેને ભરવી મુશ્કેલ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
વડા પ્રધાન, નરેન્દ્ર મોદી
ADVERTISEMENT
પંકજ ઉધાસજીએ પોતાના મધુર અવાજથી અનેક પેઢીઓને મંત્રમુગ્ધ કરી છે. તેમની ગઝલ અને ગીતોએ દરેક ઉંમરના અને વર્ગના લોકોનાં દિલોને સ્પર્શ કર્યો છે. આજે તેમના નિધનથી સંગીત જગતમાં એક મોટો ખાલીપો આવ્યો છે, જે લાંબા સમય સુધી ભરાશે નહીં. તેઓ પોતાનાં ગીતો અને ગઝલથી હંમેશાં આપણી વચ્ચે જીવંત રહેશે. તેમના શોકાતુર પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ
ગૃહ પ્રધાન, અમિત શાહ
ગઝલ ગાયનની દુનિયામાં પોતાની અમીટ છાપ છોડનાર પંકજ ઉધાસજીના નિધનથી મને અતિશય દુઃખ થયું છે. તેમનો મખમલી અવાજ અને ગાયકી દિલને નિરાંત પહોંચાડવાની સાથે દિલને સ્પર્શી જતાં હતાં. તેમનું નિધન ભારતીય સંગીત જગત માટે એક મોટી ક્ષતિ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિજનો અને તેમના તમામ પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ!
ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ
વરિષ્ઠ ગાયક પંકજ ઉધાસજીના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. અનેક પેઢીઓને પોતાની ગઝલથી મોહિત કરનાર અવાજ આજે શાંત પડી ગયો. ‘ચિઠ્ઠી આઇ હૈ આઇ હૈ ચિઠ્ઠી આઇ હૈ’ આ સદાબહાર ગીતથી પંકજજીએ ગઝલના ક્ષેત્રે વર્ચસ્વ જમાવ્યું હતું. અનેક પેઢીનાં દિલોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. ગઝલનાં વિવિધ ઇમોશન્સને જીવંત કરનાર આ કલાકાર ખૂબ વિનમ્ર હતા. તેમના અવાજથી તેઓ હંમેશાં જીવંત રહેશે. ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ મહાન ગાયકને ગુમાવ્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવાર અને તેમના ફૅન્સને સંકટની આ ઘડીમાં સાંત્વના મળે. દિલથી તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
પંકજ ઉધાસજીના નિધન વિશે સાંભળીને દુખી થયો છું. ચાર દાયકાની તેમની કરીઅર દરમ્યાન તેમણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને સમૃદ્ધ બનાવી છે અને આપણને યાદગાર અને મધુર ગઝલોની સોગાત આપી છે. સંગીત જગતમાં કદી ન પુરાય એવો ખાલીપો તેઓ છોડી ગયા છે. તેમના કુટુંબ, ફ્રેન્ડ્સ અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.
ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર
પ્રખ્યાત ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસજીના અવસાનથી અતિશય દુખી છું. સંગીત જગત માટે કદી ન પૂરી શકાય એવી આ ક્ષતિ છે. પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને તમારાં શ્રી ચરણોમાં સ્થાન તથા તેમના શોકાતુર પરિવારને અને પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની તાકત આપજો. ઓમ શાંતિ.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન , યોગી આદિત્યનાથ
શ્રી પંકજ ઉધાસજી, હું હંમેશાં તમને યાદ કરતો રહીશ. તમે હવે નથી રહ્યા એ જાણીને મારું દિલ રડી રહ્યું છે. મને સાથ આપવા બદલ આભાર. ઓમ શાંતિ.
સોનુ નિગમ
જ્યારે પણ મ્યુઝિક સંભળાશે તમારી યાદ આવશે. તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું. RIP
કાજોલ
ખૂબ દુખ થયું છે એ સાંભળીને કે મ્યુઝિક લેજન્ડ પંકજ ઉધાસજી હવે નથી રહ્યા. વિશ્વભરના લોકોનાં દિલોને તેમની ગઝલ સ્પર્શી ગઈ છે. તેમનો આ વારસો હંમેશાં અમારાં દિલોમાં ધબકતો રહેશે.
માધુરી દીિક્ષત નેને
આપકી આવાઝ હમ સબકે સાથ હમેશા રહેગી. પંકજજીના પ્રિયજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા