તે જ્યારે દસમા ધોરણમાં હતો ત્યારે તેની અટક તિવારીમાંથી તેણે ત્રિપાઠી કરી હતી અને પિતાના નામમાં પણ બદલાવ કર્યો હતો
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તે ઇતિહાસમાં કદાચ પહેલી એવી વ્યક્તિ હશે જેણે તેના પિતાના નામમાં બદલાવ કર્યો હોય. તેમની અટક પહેલાં તિવારી હતી, પરંતુ એ બદલીને તેણે ત્રિપાઠી કરી હતી. પંકજ ત્રિપાઠી હાલમાં અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘અટલ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૧૯ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. સરનેમ બદલવા વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું થયું હશે કે એક પિતાને તેના દીકરાએ નામ આપ્યું હશે. હું દસમા ધોરણનું ઍડ્મિટ કાર્ડ ભરી રહ્યો હતો. મારા અંકલ ત્રિપાઠી અટકનો ઉપયોગ કરતા હતા. તેઓ સરકારી ઑફિસર હતા. મારા એક બાબા પણ હતા જેઓ ત્રિપાઠી હતા અને હિન્દીના પ્રોફેસર હતા. મારી ફૅમિલીમાં જે તિવારી હતા તે પૂજારી હતા અથવા તો ખેડૂત હતા. આથી મને લાગ્યુ કે અટકને લીધે આ હશે. મારે પૂજારી અથવા તો ખેડૂત નહોતું બનવું. આથી મેં ફૉર્મમાં મારી અટક ત્રિપાઠી લખી હતી. મને થયું કે મારા પિતાનું નામ હું તિવારી નહીં લખી શકું, કારણ કે જો હું એ કરીશ તો ફૉર્મ રિજેક્ટ થઈ શકે. આથી મેં તેમનું નામ પણ બદલી નાખ્યું હતું.’

