પંકજ ત્રિપાઠીને ‘અગ્નિપથ’ના શૂટિંગ વખતે ખૂબ ભયાનક અનુભવ થયો હતો.
‘અગ્નિપથ’ દરમ્યાન હૃતિક રોશન સાથેની ફાઇટ વખતે ચક્કર આવીને પડી ગયો હતો પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીને ‘અગ્નિપથ’ના શૂટિંગ વખતે ખૂબ ભયાનક અનુભવ થયો હતો. હૃતિક રોશન સાથેની ફાઇટ દરમ્યાન તે ચક્કર આવતાં પડી ગયો હતો. એ સીન ફિલ્મની લાસ્ટ સીક્વન્સ હતો. ફિલ્મમાં સંજય દત્તનું કૅરૅક્ટર કાંચા ચીનાના સાગરીતના રોલમાં તે જોવા મળ્યો હતો. આ ફિલ્મ ૨૦૧૨માં આવી હતી. એ સીક્વન્સ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘એ સીનમાં તે મને ત્રણ-ચાર વખત મારવાનો હતો. રીઍક્શનના ચક્કરમાં મેં મારો શ્વાસ રોકી રાખ્યો હતો. મને જાણ નહોતી કે કોઈ વ્યક્તિને મારવામાં આવે તો શું હાલત થાય. એટલે તમે જ્યારે એ સીન ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મારી આંખ પૂરી રીતે લાલ થઈ ગઈ હતી. બીજા કે ત્રીજા ટેકમાં હું થોડી ક્ષણ માટે બેભાન થઈ ગયો હતો. કૅમેરા ચાલુ હતો. હું પડી ગયો હતો, કારણ કે મેં ઘણા સમય સુધી મારો શ્વાસ રોકી રાખ્યો હતો. લોકો મારી આસપાસ ઘેરાઈ ગયા હતા અને મારા ચહેરા પર પાણી છાંટ્યું હતું. હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી આસપાસ ઘણા લોકો ભેગા થયા છે.’