ફિલ્મ-રિવ્યુ : જાણો કેવી છે 'પાનીપત'
પાનીપત
ઐતિહાસિક ફિલ્મો જોવાનું દર્શકોને ખૂબ જ પસંદ છે અને એમાં પણ કોઈ યુદ્ધ પર ફિલ્મ બનાવવામાં આવી હોય તો ચાર ચાંદ લાગી જાય છે. વૉર-ડ્રામા ફિલ્મ દુનિયાભરમાં ખૂબ જ ફેમસ છે. ઇન્ડિયામાં પણ છેલ્લાં ઘણાં વર્ષથી આવી ફિલ્મોએ પોતાનું માર્કેટ ઊભું કર્યું છે અને એમાં હવે આશુતોષ ગોવારીકરની ગઈ કાલે રિલીઝ થયેલી ‘પાનીપત’નો પણ સમાવેશ થાય છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
ADVERTISEMENT
૧૭૬૧ની ૧૪ જાન્યુઆરીએ થયેલા પાનીપતના ત્રીજા યુદ્ધ પર આ ફિલ્મ આધારિત છે. અર્જુન કપૂરે આ ફિલ્મમાં મરાઠા વૉરિયર સદાશિવરાવભાઉનું પાત્ર ભજવ્યું છે. મોહનીશ બહલે નાનાસાહેબ પેશવાનું પાત્ર ભજવ્યું છે અને તેમના રાજમાં સદાશિવરાવ ભાઉ કમાન્ડર હોય છે. જોકે નાનાસાહેબ પેશ્વાની પત્ની ગોપિકાબાઈ (પદ્મિની કોલ્હાપુરે)ના કહેવાથી અર્જુનને કમાન્ડરમાંથી નાણામંત્રી બનાવી દેવામાં આવે છે, જેથી તે રાજગાદી પર ન બેસી શકે. આ દરમ્યાન સદાશિવરાવ અને પાર્વતીબાઈ (ક્રિતી સૅનન) વચ્ચે પ્રેમનો એકરાર થાય છે. તેઓ લગ્ન કરે છે ત્યાં જ અફઘાનિસ્તાનના રાજા અહમદ શાહ અબ્દાલી (સંજય દત્ત) દિલ્હી પર એનો કબજો બનાવવા આવી રહ્યો હોવાની જાણ થાય છે. નજીબ-ઉદ-દૌલા (મંત્રા) અબ્દાલીને હિન્દુસ્તાન પર હુમલો કરવા માટે મનાવી લે છે. આ પરિસ્થિતિમાં નાનાસાહેબ ફરી સદાશિવરાવને યુદ્ધ પર મોકલે છે. સદાશિવરાવ દ્વારા જે પણ યુદ્ધ કરવામાં આવ્યાં હોય એમાં તેનો જયજયકાર થયો છે અને એથી જ ગોપિકાબાઈને લાગે છે કે આ યુદ્ધ પણ તે જીતી ગયો તો તેને રાજગાદી પર બેસતા કોઈ અટકાવી નહીં શકે. એથી તે તેના દીકરા વિશ્વાસરાવ (અભિષેક નિગમ)ને પણ સાથે મોકલે છે. વિશ્વાસરાવના નેતૃત્વ હેઠળ સદાશિવરાવ યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં સદાશિવરાવની સાથે તેમની પત્ની પાર્વતીબાઈ પણ જોડાય છે.
બહોત ખીંચા રે
ફિલ્મ બે કલાક અને ૫૩ મિનિટની છે. ફિલ્મને થોડી ટૂંકી કરી શકાઈ હોત, કારણ કે એમાં ઘણી જગ્યાએ સ્ટોરીને વગર કામની ખેંચવામાં આવી છે. ‘પાનીપત’ના ત્રીજા યુદ્ધ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે, પરંતુ એમાં લવ સ્ટોરીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પહેલા પાર્ટમાં અર્જુન અને ક્રિતી સૅનનની લવ સ્ટોરી પર સંપૂર્ણ ફોકસ છે, પરંતુ એ શું કામ એટલી ખેંચવામાં આવી એ સૌથી મોટો પ્રશ્ન છે. આ પ્રેમ પ્રકરણને કારણે ફિલ્મ જરૂરિયાત કરતાં લાંબી થઈ ગઈ છે, જેના કારણે એ બોરિંગ લાગે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આશુતોષ ગોવારીકર ૨૦૧૬માં આવેલી હૃતિક રોશનની ‘મોહેન્જો દારો’ના ત્રણ વર્ષ બાદ ફરી ઐતિહાસિક ફિલ્મ લઈને આવ્યા છે. ‘મોહેન્જો દારો’ની નિષ્ફળતા બાદ તેમણે આ ફિલ્મ પર ખૂબ જ ધ્યાન આપ્યું હતું, પરંતુ એ મહદ અંશે કામ આવ્યું છે. આ ફિલ્મ હૃતિકની ફિલ્મ જેટલી ખરાબ નથી, પરંતુ તેની ‘જોધા અકબર’ જેટલી સારી પણ નથી. ફિલ્મના સ્ક્રીનપ્લેમાં ખૂબ જ ખામી છે. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે ચંદ્રશેખર ધવલિકર, રણજિત બહાદુર, આદિત્ય રાવલ અને આશુતોષ ગોવારીકરે લખ્યો છે. ઐતિહાસિક ફિલ્મ અને એમાં પણ વૉર-ડ્રામામાં ડાયલૉગ પણ મહત્ત્વના હોય છે, પરંતુ અહીં એની ખૂબ જ ઊણપ છે. ઐતિહાસિક ફિલ્મ નહીં, પરંતુ હિન્દુ-મુસ્લિમને એક કરવાનો મેસેજ વધુ આપવામાં આવ્યો હોય એવું લાગે છે. એક પણ ડાયલૉગ ઇફેક્ટિવ નથી. ડિરેક્શનમાં ‘જોધા અકબર’ની પણ ફ્લેવર ઘણી વાર જોવામાં આવે છે, પરંતુ એના જેવો ચાર્મ નથી જોવા મળ્યો. આશુતોષ ગોવારીકરે ફિલ્મને તેમનાથી બને એટલી ગ્રૅન્ડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સેટને લૅવિશ બનાવવામાં તેઓ ડિરેક્શનમાં વધુ ધ્યાન ન આપી શક્યા હોય એવું લાગે છે.
ગરબડ હૈ ભાઈ સબ ગરબડ હૈ
ફિલ્મનું નામ ‘પાનીપત - ધ ગ્રેટ બિટ્રેયલ’ આપવામાં આવ્યું છે. જોકે ‘ધ ગ્રેટ બિટ્રેયલ’ ફિલ્મને યોગ્ય નથી. આશુતોષ ગોવારીકરે એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. અંદર-અંદર એકબીજાને છેતરવાનું કામ રામ-રાજથી ચાલી આવ્યું છે. જો વિભીષણે રાવણને છેતર્યો ન હોત તો શું રાજા રામ તેને હરાવી શક્યા હોત? તો જ્યારે યુદ્ધમાં એક સાઇડથી લડતી પાર્ટીને તેની જ પાર્ટી દ્વારા છેતરવામાં આવે તો એ યુદ્ધમાં કોઈ મોટી વાત નથી. આવું તો વર્ષોથી ચાલતું આવ્યું છે. સાથે જ ફિલ્મમાં ગોપિકાબાઈ એમ કહે છે કે તે ક્યારેય સદાશિવરાવભાઉ અને પાર્વતીબાઈનાં લગ્ન નહીં થવા દે, પરંતુ બીજી જ સેકન્ડે તેમનાં લગ્ન થઈ જાય છે. ‘બાજીરાવ મસ્તાની’નો રણવીર સિંહ અને સદાશિવરાવ ભાઉ બન્ને પેશવા હોવાથી તેમના લુક સરખા જેવા છે. તેમ જ પ્રિયંકા ચોપડા જોનસ અને ક્રિતી સૅનનનો પણ લુક સરખા જેવો છે. જોકે સૌથી ચોંકાવી દેનારું એ છે કે ‘પદ્માવત’ના અલાઉદ્દીન ખિલજી અને ‘પાનીપત’ના અહમદ શાહ અબ્દાલીનો પણ લુક સરખા જેવો છે. જોકે સંજય દત્ત તેની ઍક્ટિંગ અને પર્સનાલિટીને કારણે અહમદ શાહ અબ્દાલીને અલગ જ લેવલ પર લઈ ગયો છે. ફિલ્મમાં સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. સેટને ભવ્ય દેખાડવામાં આશુતોષ ગોવારીકરે કચાશ નથી છોડી, પરંતુ યુદ્ધના દૃશ્ય માટે તેમને બજેટ ઓછું પડ્યું હોય એવું
લાગે છે. કમ્પ્યુટર જનરેટેડ ઇમૅજિનરી ખૂબ જ કંગાળ છે. કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો હોય ત્યાં ધૂળ ઊડતી દેખાડી સ્ક્રીનને બ્લર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ક્રિતી સૅનનને પણ એક દૃશ્યમાં હથિયાર ઊંચકીને લડતી દેખાડવામાં આવે છે. આ દૃશ્યમાં તેને પણ વિશ્વાસ નથી થતો કે તે કેવી રીતે ફાઇટ કરી શકે છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે તેણે લાઇફમાં ક્યારેય તલવાર નથી ઊંચકી તો તે એક યોદ્ધાની જેમ કેવી રીતે ફાઇટ કરતી જોવા મળી? ‘જોધા અકબર’માં તો જોધાબાઈ તલવારબાજી શીખી હતી, પરંતુ અહીં તો એવું પણ કોઈ દૃશ્ય નથી.
સંજય દત્ત વેડફાઈ ગયો
ફિલ્મમાં મોટા ભાગના દરેક ઍક્ટરને આપવામાં આવેલું કામ તેમણે સારી રીતે કર્યું છે. અર્જુન કપૂરે ધારવા કરતાં સારું કામ કર્યું છે. એક ઐતિહાસિક ફિલ્મમાં તે યોદ્ધાના અવતારમાં જોવા મળશે એવી કોઈએ આશા નહીં રાખી હોય. જોકે એમ છતાં તેણે સારી ઍક્ટિંગ કરી હતી, પરંતુ ઍક્શન દૃશ્યમાં તેને તકલીફ પડતી દેખાઈ રહી હતી. તેના શરીરને કારણે તે એટલી સ્ફુર્તિથી ઍક્શન નહોતો કરી રહ્યો. તેમ જ દરેક સ્ટન્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે તેને સરળતા રહે. સંજય દત્તને ક્રૂર દેખાડવામાં આશુતોષ ગોવારીકરે કોઈ કસર નથી છોડી, પરંતુ તેની પાસે એટલો
સ્ક્રીન-ટાઇમ પણ નથી. સંજય દત્તના ફાઇટસીન પણ કોઈ દમ નથી. સંજય દત્ત અને અર્જુન કપૂર વચ્ચે હૅન્ડ-ટુ-હૅન્ડ ફાઇટ દેખાડી શકાઈ હોત. આખરે એક ફિલ્મ માટે એટલી સિનેમૅટિક લિબર્ટી તો લઈ શકાઈ હોત. ફિલ્મમાં નવાબ ખાને ઇબ્રાહિમ ખાન ગાર્ડીનું પાત્ર ભજવ્યું છે. તે દુશ્મન સેનાનો ટૉપનો કમાન્ડર હોય છે. તેની સૂઝબૂઝથી તે કોઈ પણ આર્મીને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ પાત્રને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને નવાબ ખાને એને પૂરેપૂરો ન્યાય આપ્યો છે.
આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ: પતિ, પત્ની ઔર વોહ - જૂની પ્રોડક્ટનાં નવાં રંગરૂપ
આખરી સલામ
એક દૃશ્યમાં એક યોદ્ધા બીજા યોદ્ધાને જોરમાં તલવારથી ગળામાં ઘા કરે છે. જો ધીમેથી ગળામાં ઘા કરવામાં આવે તો પણ મૃત્યુના ચાન્સ ખૂબ જ હોય છે, પરંતુ એક તલવારના ઘાથી એ વ્યક્તિ બચી જાય અને આરામથી ડાયલૉગબાજી કરે એ થોડું વિચિત્ર લાગે છે.