આ ડૉક્યુમેન્ટરીને ગુનીત મોન્ગાએ પ્રોડ્યુસ કરી હતી
Oscar Awards
કાર્તિકી ગૉન્ઝાલ્વિસ (ડાબે) અને ગુનીત મોન્ગા
શૉર્ટ ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને ઑસ્કર મળ્યો છે અને આ અવૉર્ડ ડિરેક્ટર કાર્તિકી ગૉન્ઝાલ્વિસે ભારતમાતાને ડેડિકેટ કર્યો છે. આ કૅટેગરીમાં ‘હાઉલઆઉટ’, ‘હાઉ ડૂ યુ મેસ્યોર અ યર?’, ‘ધ માર્થા મિચેલ ઇફેક્ટર’ અને ‘સ્ટ્રેન્જર ઍટ ધ ગેટ’ પણ નૉમિનેટ હતી. ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ દ્વારા કાર્તિકીએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો છે. આ ડૉક્યુમેન્ટરીમાં એક કપલ અને એક અનાથ બેબી હાથી વચ્ચેના બૉન્ડની વાત કરવામાં આવી છે. આ ડૉક્યુમેન્ટરીને ગુનીત મોન્ગાએ પ્રોડ્યુસ કરી હતી. આ અવૉર્ડ વિશે કાર્તિકી ગૉન્ઝાલ્વિસે કહ્યું કે ‘હું અહીં આજે આપણી અને અન્ય જીવો પ્રત્યેની સહાનુભૂતિ માટે તેમ જ આપણી અને કુદરત વચ્ચેના પવિત્ર બંધન અને સહઅસ્તિત્વ વિશે વાત કરવા માટે ઊભી છું. અમારા લોકો અને પ્રાણીઓને હાઇલાઇટ કરતી અમારી ફિલ્મને માન્યતા આપવા બદલ ઍકૅડેમીનો હું આભાર માનું છું. આ મારી ભારતમાતાને અર્પણ છે.’
ADVERTISEMENT
બીજી વાર ઑસ્કર મળ્યો ગુનીત મોન્ગાને
‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ની પ્રોડ્યુસર ગુનીત મોન્ગાને બીજી વાર ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મની કૅટેગરીમાં ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને ઑસ્કર મળ્યો છે. ૯૫મા ઑસ્કર અવૉર્ડ્સમાં ફોટોગ્રાફરમાંથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનાર કાર્તિકી ગૉન્ઝાલ્વિસની ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને ઑસ્કર મળ્યો છે. ગુનીત મોન્ગાને આ પહેલાં ઇરાનિયન-અમેરિકન ફિલ્મમેકર રાયકા ઝેટાબેચની ‘પિરિયડ : એન્ડ ઑફ સેન્ટન્સ’માટે બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. આ ડૉક્યુમેન્ટરી ઉત્તર પ્રદેશના હાપુરના કાથિકેરા ગામની હતી, જેમાં મહિલાઓ કેવી રીતે લો-કૉસ્ટ મશીન દ્વારા બાયોડિગ્રેડેબલ સૅનિટરી પૅડ્સ બનાવે છે એ દેખાડવામાં આવ્યું હતું. ગુનીત મોન્ગાએ આ પહેલાં અનુરાગ કશ્યપ સાથે ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર પાર્ટ 1’ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર પાર્ટ 2’, ‘પેડલર્સ’, ‘ધ લંચબૉક્સ’, ‘મસાન’, ‘ઝુબાન’ અને ‘પગલૈટ’માં કામ કર્યું હતું. ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને કાર્તિકીએ તેના ફોન, ગોપ્રો અને ડીએસએલઆર કૅમેરામાં શૂટ કરી હતી. ૪૦૦ કલાકના ફુટેજને તેણે ૪૦ મિનિટમાં દેખાડ્યું છે.