ફિલ્મો પબ્લિક સર્વિસ માટે નહીં પણ નફા માટે બનતી હોય છે, બ્રૅન્ડેડ કપડાં કે આલીશાન બિલ્ડિંગોના ભાવ વિશે કોઈ ઊહાપોહ નથી થતો
રામ ગોપાલ વર્મા
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ની ટિકિટોનાે ભાવ દિલ્હીનાં કેટલાંક થિયેટરોમાં ૨૪૦૦ રૂપિયા અને મુંબઈમાં ૩૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે એ મુદ્દે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ એનો બચાવ કર્યો છે. લોકોએ ટિકિટોના ભાવવધારા બાબતે બળાપો વ્યક્ત કર્યો હતો પણ રામ ગોપાલ વર્માએ તેમની સ્ટાઇલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક લાંબીલચક નોટ લખી છે અને એમાં જણાવ્યું છે કે ડેમોક્રૅટિક કૅપિટલિઝમ ક્લાસ ડિફરન્સના આધારે ચાલે છે. ફિલ્મો પબ્લિક સર્વિસ માટે નહીં પણ નફા માટે બનાવવામાં આવે છે. લક્ઝરી કાર, બ્રૅન્ડેડ ક્લોથ કે આલીશાન બિલ્ડિંગોના ભાવ વિશે કોઈ ઊહાપોહ કરતું નથી તો ફિલ્મોની ટિકિટોના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે એવો સવાલ તેમણે કર્યો હતો.
રામ ગોપાલ વર્માએ તેમની તેલુગુમાં લખાયેલી નોટમાં મનોરંજન ઉદ્યોગ અને લક્ઝરી માર્કેટની સરખાણી કરતાં સુબ્બારાવ ઇડલીવાળાનું ઉદાહરણ આપતાં લખ્યું છે કે ‘સુબ્બારાવ નામના માણસે ઇડલીની હોટેલ શરૂ કરી અને ઇડલીની પ્લેટનો ભાવ ૧૦૦૦ રૂપિયા રાખ્યો. આનું કારણ એ છે કે સુબ્બારાવને લાગે છે કે તેની ઇડલીની ક્વૉલિટી બીજી ઇડલી કરતાં સૌથી શ્રેષ્ઠ છે. જો કોઈને સુબ્બારાવની ઇડલી નહીં ગમે તો તેઓ તેની હોટેલમાં નહીં જાય. આમાં નુકસાન સુબ્બારાવને જ થવાનું છે. જે લોકો કહી રહ્યા છે કે સુબ્બારાવની ઇડલી સામાન્ય લોકો માટે અફૉર્ડેબલ નથી તેઓ મૂર્ખ છે, કારણ કે સેવન સ્ટાર હોટેલો પણ સામાન્ય લોકો માટે અફૉર્ડેબલ હોતી નથી. જો એવી દલીલ કરવામાં આવે કે તમે સેવન સ્ટાર હોટેલના ઍમ્બિયન્સ માટે નાણાં ચૂકવો છો તો ‘પુષ્પા 2’ પણ સેવન સ્ટાર ક્વૉલિટીનું મૂવી છે. ડેમોક્રેટિક કૅપિટલિઝમ ક્લાસ ડિફરન્સના આધારે ચાલે છે. ફિલ્મો પબ્લિક સર્વિસ માટે નહીં પણ નફા માટે બનાવવામાં આવે છે. લક્ઝરી કાર, બ્રૅન્ડેડ ક્લોથ કે આલીશાન બિલ્ડિંગોના ભાવ વિશે કોઈ ઊહાપોહ કરતું નથી તો ફિલ્મોની ટિકિટોના નામે શા માટે વિરોધ કરવામાં આવે છે? શું મનોરંજન ઇન્ડસ્ટ્રી જરૂરી છે? શું એ હાઉસિંગ, ફૂડ અને ક્લોધિંગ કરતાં વધારે જરૂરી છે? આ બધાની વાત કરીએ તો જણાય છે કે ‘પુષ્પા 2’ની ટિકિટોના ભાવ ઘણા ઓછા છે. લોકો આ ફિલ્મ જોવી નથી અથવા ટિકિટના ભાવ ઓછા થાય ત્યારે જોઈશું એવું નક્કી કરી શકે છે, પણ ટિકિટો તો વેચાઈ ગઈ છે. સુબ્બારાવની હોટેલ પર પાછા ફરીએ; તેની ઇડલીના ભાવ કામ કરી ગયા, સુબ્બારાવને તેની જ હોટેલમાં બેસવાની જગ્યા મળતી નથી કારણ કે બધી સીટો બુક થઈ જાય છે.’