આજની જનરેશનમાં બિગ બી, દિલીપકુમાર ને બલરાજ સાહનીના લેવલના કોઈ ઍક્ટર નથી - જાવેદ અખ્તર
બૉલીવુડની અનેક ફિલ્મોની વાર્તાના લેખક અને ગીતકાર જાવેદ અખ્તરનું માનવું છે કે આજના જનરેશનના ઍક્ટરોનું ઍક્ટિંગ-લેવલ પહેલાંના સમય કરતાં સારું છે, પરંતુ હજી પણ દિલીપકુમાર, અમિતાભ બચ્ચન કે બલરાજ સાહનીના લેવલે પહોંચી શકે એવો કોઈ ઍક્ટર નથી. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું આ જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ વિવાદાસ્પદ બની શકે છે, પરંતુ એ વાતને સાઇડ પર મૂકતાં હું કહું છું કે દિલીપકુમાર, અમિતાભ બચ્ચન અને બલરાજ સાહની જેવા શ્રેષ્ઠ ઍક્ટરોના લેવલ સુધી પહોંચી શકે એવો આજના જમાનામાં કોઈ ઍક્ટર નથી, પરંતુ પહેલાંના સમય કરતાં ઍક્ટિંગની ગુણવત્તામાં સુધારો થયો છે. પહેલાંના સમયે જે બિનઅનુભવી કલાકારો હતા તેમના જેવા કલાકારો આજે જોવા નહીં મળે. આજે ઍક્ટિંગ ક્ષેત્રમાં ઘણો સુધારો થયો છે, પરંતુ એ પણ સત્ય છે કે આપણી પાસે બીજા અમિતાભ બચ્ચન, દિલીપકુમાર કે બલરાજ સાહની નથી.’
જાવેદ અખ્તરનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીના ઍક્ટિંગ ક્ષેત્રમાં સુધારો થયો છે, પરંતુ એ સાથે જ ઇન્ડસ્ટ્રીના એવા ઘણા ડિપાર્ટમેન્ટ છે જેમાં હજી સુધી સુધારો નથી થયો. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘તમે કદાચ આજે એવું કહી શકો કે બૉલીવુડમાં ફિલ્મની વાર્તાની ગુણવત્તામાં કોઈ સુધારો નથી થયો. એ પણ સત્ય છે કે આજે ફિલ્મોમાં કહેવતો અને સારા ડાયલૉગ જોવા નથી મળતાં. ફિલ્મોમાં ઇમોશન્સ ખૂબ જ ઓછી હોય છે, જે થોડી વધારે હોવી જોઈએ. પહેલાંના સમયમાં ઇમોશન અને અન્ય ડ્રામાનો ખૂબ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આજની જનરેશનને એ ન ગમતાં તેમણે જુદો રસ્તો લઈ લીધો છે.’