‘રામાયણ’માં રણબીર સાથે સઈ પલ્લવી, યશ, સની દેઓલ, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે
રણબીર કપૂર
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની ખૂબ ચર્ચા ચાલી રહી છે. નીતેશ તિવારીની આ ફિલ્મની જાહેરાત રામનવમીના પાવન અવસર દરમ્યાન કરવામાં આવે એવી શક્યતા છે. ૧૭ એપ્રિલે રામનવમી છે. ‘રામાયણ’માં રણબીર સાથે સઈ પલ્લવી, યશ, સની દેઓલ, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. બૉબી દેઓલ અને વિજય સેતુપતિ સાથે પણ અગત્યના રોલ માટે ચર્ચા ચાલી રહી છે. હાલમાં એવી ચર્ચા છે કે ફિલ્મ-મેકર્સની ઇચ્છા છે કે ફિલ્મની જાહેરાત રામનવમીના દિવસે કરવામાં આવે. તેમનl માટે આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. રણબીરે વૉઇસ અને ઉચ્ચારણ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. નીતેશ તિવારીની ઇચ્છા છે કે આ ફિલ્મ માટે રણબીરનો અવાજ તેણે અત્યાર સુધી ભજવેલા રોલ કરતાં હટકે હોય. બીજી તરફ રણબીર પણ આ નવા અનુભવને લેવા માટે આતુર છે. એવું જાણવા મળ્યું છે કે આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને જુલાઈમાં પૂરું કરવામાં આવશે. ફિલ્મ ૨૦૨૫ની દિવાળી દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.