રજનીકાન્તની પત્ની પર લાગ્યો ચીટિંગનો આરોપ, મનોજ બાજપાઈની દીકરીને તેનાથી શું ફરિયાદ છે? અને વધુ સમાચાર
શરદ કેળકર
‘ધ લેજન્ડ ઑફ હનુમાન સીઝન 3’માં રાવણના રોલને શરદ કેળકરે અવાજ આપ્યો છે. શરદ મુજબ રાવણના પાત્રને અવાજ આપવો તેના માટે ચૅલેન્જિંગની સાથે જ રિવૉર્ડિંગ પણ હતો. આ શો ૧૨ જાન્યુઆરીથી ડિઝની + હૉટસ્ટાર પર શરૂ થવાનો છે. શરદે આ અગાઉ ‘ડૉન ઑફ ધ પ્લેનૅટ ઑફ ધ ઍપ્સ’માં માલ્કોનો, ‘ગાર્ડિયન્સ ઑફ ધ ગૅલૅક્સી’ અને ‘કૅપ્ટન માર્વલ’માં રોનાન ધ એક્યુઝરનો, ‘ફ્યુરિયસ 7’માં ડેકર્ડ શો, ‘આદિપુરુષ’માં રાઘવ અને ‘બાહુબલી’માં અમરેન્દ્ર બાહુબલીને અવાજ આપ્યો હતો. આ બધાની વચ્ચે તેને રાવણનું પાત્ર અઘરું લાગ્યું છે. એ વિશે જણાવતાં શરદે કહ્યું કે ‘મેં અત્યાર સુધી અનેક ઐતિહાસિક પાત્રોને અવાજ આપ્યો છે, પરંતુ રાવણ મારા માટે થોડું અઘરું અને આનંદ આપનારું પણ રહ્યું છે. રાવણની છબી તેમના અલગ પ્રકારના હાસ્યને કારણે બુલંદ છે. જોકે મેકર્સે આ શોમાં તેમને અલગ રીતે દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે તેઓ હઠીલા હતા, પરંતુ સાથે જ ઇમોશનલ અને ગ્રેટ સેન્સ-ઑફ-હ્યુમર ધરાવતા હતા. થોડી જ ક્ષણોમાં તેઓ પોતાની રાક્ષસી વૃત્તિને અલગ બાજુએ લઈ જતા હતા. એથી એ બધી બાબતો તેમને એકદમ અલગ તારવી દે છે. એ પાત્રને મારા અવાજ દ્વારા જીવંત કરવું મને અઘરું લાગ્યું હતું. તેમની અનેક જાણી-અજાણી બાબતો લોકોને જોવા મળશે. હું હિન્દી સારી રીતે જાણતો હોવાથી એ રોલની દરેક ઝીણી બાબતોને મારા અવાજ મારફત વ્યક્ત કરી શક્યો છું.’
રજનીકાન્તની પત્ની પર લાગ્યો ચીટિંગનો આરોપ
ADVERTISEMENT
સુપરસ્ટાર રજનીકાન્તનાં પત્ની લતા રજનીકાન્ત પર એક ઍડ્વર્ટાઇઝિંગ કંપનીએ છેતરપિંડીના આરોપો લગાવ્યા છે. એ કંપનીનું કહેવું છે કે ૨૦૧૪ની ફિલ્મ ‘કોચાદૈયાં’ માટે તેમણે દસ કરોડ રૂપિયા મીડિયા વનને આપ્યા હતા અને એ ડીલમાં લતા રજનીકાન્ત ગૅરન્ટર બન્યાં હતાં. મંગળવારે બૅન્ગલોરની કોર્ટે તેમને જામીન આપ્યા છે. આ કેસને લઈને લતા રજનીકાન્તે કહ્યું કે ‘મારા માટે આ કેસ અપમાન, સતામણી અને પ્રખ્યાત વ્યક્તિના શોષણનો છે. એક સેલિબ્રિટી હોવાની મારે કિંમત ચૂકવવી પડી છે. એ કોઈ મોટો કેસ નથી, પરંતુ સમાચાર મોટા બનાવવામાં આવ્યા છે. કોઈ છળકપટ નથી થયું. એ પૈસા સાથે મારે કોઈ સંબંધ નથી. એ તો મીડિયા વન અને એને સંબંધિત લોકો સાથે છે. તેમણે મામલો થાળે પાડી દીધો છે. મેં તો માત્ર ખાતરી આપી હતી કે તેઓ પૈસા ચૂકવશે.’
મનોજ બાજપાઈની દીકરીને તેનાથી શું ફરિયાદ છે?
મનોજ બાજપાઈની દીકરી અવાને તેના પપ્પાથી એક ફરિયાદ છે. એનો ખુલાસો મનોજે કર્યો છે. મનોજ બાજપાઈ આજે અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેની દીકરી અવા સાથે બેસીને મનોજે ‘ધ આર્ચીઝ’ જોઈ હતી. ફિલ્મની પચાસ મિનિટ જોઈ લીધા બાદ તેની દીકરીની સાથે થયેલી વાતચીત વિશે મનોજે કહ્યું કે ‘મારી દીકરી ‘ધ આર્ચીઝ’ જોઈ રહી હતી. મેં તેને પૂછ્યું કે તને આ ફિલ્મ કેવી લાગી તો તેણે કહ્યું કે ઠીક છે. ત્યાં સુધી તો મેં પણ આ ફિલ્મ પચાસ મિનિટ જોઈ લીધી હતી. હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે મેં ‘આર્ચીઝ’ નહોતી વાંચી, પરંતુ હા ‘મોટુ પતલુ’ અને ‘રામ બલરામ’ વિશે મને જાણ છે. મેં કદાચ ‘આર્ચીઝ’ની એકાદ બુક વાંચી છે અને મને વેરોનિકા અને બેટ્ટી યાદ છે.’
ઝોયા અખ્તરની આ ફિલ્મ દ્વારા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય નંદાએ ઍક્ટિંગમાં એન્ટ્રી કરી છે. ફિલ્મ જોયા બાદ મનોજે તેની દીકરીને કહ્યું કે આ ફિલ્મનાં કૅરૅક્ટર્સની જેમ તેણે પણ હિન્દીમાં વાત કરવી જોઈએ. દીકરી ડિસ્ટર્બ થતાં તેણે પાપા મનોજને ઠપકો આપ્યો હતો. એ વિશે મનોજે કહ્યું કે ‘મારી દીકરીએ કહ્યું કે ‘પાપા, તમે ફૅમિલીને સમય નથી આપતા.’ હું જ્યારે પણ તેના પર ભડકું છું તો તે સામે મને ઠપકો આપે છે.’

