આ ગીત ઑસ્કર અવૉર્ડની રેસમાં સામેલ થઈ છે.
રામચરણ
રામચરણનો ઑન-સ્ક્રીન ક્રશ કોણ છે?
રામચરણે જણાવ્યું છે કે તેની ઑન-સ્ક્રીન ક્રશ કોણ છે જેને જોઈને તે આકર્ષિત થાય છે. એ છે જુલિયા રૉબર્ટ્સ. સાથે જ તે કૅથરિન ઝીટા જોન્સનો પણ કાયલ છે. તેની ‘RRR’એ દેશ અને દુનિયામાં ધમાલ મચાવી છે. સાથે જ એ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતે લોકોને દીવાના બનાવી દીધા છે. આ ગીત ઑસ્કર અવૉર્ડની રેસમાં સામેલ થઈ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તેનો ઑન-સ્ક્રીન ક્રશ કોણ છે? એનો જવાબ આપતાં રામચરણે કહ્યું કે ‘મને જાણ નથી કે હું તેની પાછળ ઘેલો છું, પરંતુ જ્યારે પણ હું જુલિયા રૉબર્ટ્સને જોઉં છું તો હું તેની ફિલ્મો, એ સ્ક્રીન પ્રત્યે ખૂબ આકર્ષિત થાઉં છું. હું પોતાની જાતને ટીવીની સામે કાં તો મોટી સ્ક્રીન પર તેને જોવા માટે તલ્લીન થઈ જાઉં છું. તેનામાં કાંઈક તો આકર્ષક અને કન્વેન્શનલ છે. ‘પ્રિટી વુમન’થી જ હું તેનો મોટો ફૅન છું. કૅથરિન ઝીટા જોન્સ. માય ગુડનેસ. તેને કેવી રીતે ભૂલી શકું? તેની ‘ધ માસ્ક ઑફ ઝોરો’ ફિલ્મને મેં પહેલી વખત ખૂબ એન્જૉય કરી હતી અને તેની ‘એન્ટ્રૅપમેન્ટ’ને જોયા બાદ હું તેની બધી ફિલ્મોને ફૉલો કરું છું.’
ADVERTISEMENT
ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કર્યું દીપિકાએ?
દીપિકા પાદુકોણ હાલમાં ઇકૉનૉમી ક્લાસમાં ટ્રાવેલ કરતી હોય એવી ચર્ચા ચાલી રહી છે. સોશ્યલ મીડિયામાં એનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે પ્લેનની અંદર ચાલતી દેખાય છે અને તે વૉશરૂમમાં જાય છે. તેની આગળ તેનો બૉડીગાર્ડ ચાલતો દેખાય છે. જોકે તે ઇકૉનૉમી ક્લાસ પાસેથી વૉશરૂમમાં જતી જોવા મળી હતી, પરંતુ ઇકૉનૉમી ક્લાસમાં બેઠી હોય એવો એક પણ વિડિયો કે ફોટો નથી. તેણે ઑરેન્જ અને બ્લુ જૅકેટ પર કૅપ અને સનગ્લાસિસ પહેર્યાં છે. કોઈનું પણ ધ્યાન પોતાના તરફ ખેંચ્યા વગર તે ચૂપચાપ ચાલી જાય છે.
શૌક બડી ચીઝ હૈ
કાજોલ મલ્ટિટાસ્કર છે એવું દેખાઈ રહ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની એક નાનકડી વિડિયો ક્લિપ શૅર કરી છે. એમાં તેનો મેકઅપ અને હેરસ્ટાઇલ થઈ રહ્યાં છે. એ દરમ્યાન તે ગૂંથણકામ કરી રહી છે. એને તે પોતાનો શોખ જણાવી રહી છે. ફૅન્સ આ જોઈને તેની પ્રશંસા કરી રહ્યા છે કે તે જોયા વગર જ ગૂંથવાનું કામ કરી રહી છે. તે વેબ-સિરીઝ ‘ધ ગુડ વાઇફ’માં દેખાવાની છે. એ વિડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘હેર, મેકઅપ, હાસ્ય અને શોખ. મલ્ટિટાસ્કિંગ સારી રીતે કરી રહી છું.’
સમન્થાને વધુ લોડ ન લેવા કહ્યું મનોજ બાજપાઈએ
સમન્થા રૂથ પ્રભુની પ્રશંસા કરતાં મનોજ બાજપાઈએ તેને એક ખાસ સલાહ આપી છે. સમન્થા હાલમાં માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. તેની સારવાર તે લઈ રહી છે. રિકવરી બાદ તે ફરીથી કામની શરૂઆત કરવાની છે. સમન્થા અને મનોજ બાજપાઈએ ‘ફૅમિલી મૅન’ની બીજી સિરીઝમાં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં જ મનોજ બાજપાઈને સમન્થા વિશે પૂછવામાં આવ્યું હતું. એ વખતે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘તારી જાતને વધારે તકલીફ ન આપ. તું ખૂબ મહેનતુ છે. જોકે ‘ફૅમિલી મૅન’માં જે પ્રકારે તેને કામ કરતાં જોઈ હતી એને જોઈને તો મને પણ ડર લાગ્યો હતો કે તે પોતાને કેટલી શારીરિક પીડા આપી રહી છે.’ આ સાંભળીને તેને જવાબ આપતાં ટ્વિટર પર સમન્થાએ ટ્વીટ કર્યું હતું કે હું પ્રયાસ કરીશ.