વીક-એન્ડમાં ૪૦.૭૧ કરોડનું કલેક્શન કર્યું ‘ડ્રીમ ગર્લ 2’એ, ગર્લફ્રેન્ડ આશના સાથે સગાઈ કરી અરમાન મલિકે અને અન્ય સમાચાર
ડ્રીમ ગર્લ નું પોસ્ટર
વીક-એન્ડમાં ૪૦.૭૧ કરોડનું કલેક્શન કર્યું ‘ડ્રીમ ગર્લ 2’એ
‘ડ્રીમ ગર્લ 2’એ પહેલા વીક-એન્ડમાં ૪૦.૭૧ કરોડનુ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ૨૦૧૯માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની આ સીક્વલ છે. ફિલ્મમાં તેની સાથે અનન્યા પાન્ડે, પરેશ રાવલ, અનુ કપૂર, વિજય રાઝ, સીમા પાહવા, અસરાની અને રાજપાલ યાદવ પણ લીડ રોલમાં દેખાય છે. ફિલ્મને રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ફિલ્મે ૧૦.૬૯ કરોડ, શનિવારે ૧૪.૦૨ કરોડ અને રવિવારે ૧૬ કરોડની સાથે કુલ મળીને ૪૦.૭૧ કરોડનો વકરો કર્યો છે. આ ફિલ્મની ખરી પરીક્ષા હવે ગઈ કાલના એટલે કે સોમવારના બિઝનેસથી થશે. આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં કેટલો બિઝનેસ કરે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
ફિટનેસ ફ્રીક
વિદ્યુત જામવાલે હવે તેના ફિટનેસનો નવો મંત્ર આપ્યો છે. એની વિડિયો ક્લિપ તેણે શૅર કરી છે. એમાં દેખાય છે કે તેની ગરદનને ફિટ રાખવા માટે તે તેના માથા પર ૩૦ કિલોનો કેટલ બેલ અને ડમ્બ બેલ રાખે છે. આ સિવાય તે નીચે સૂતેલો દેખાય છે અને તેના માથા પર ૮૨ કિલોનું વજન ધરાવતો માણસ ઊભો રહે છે. બાદમાં તે આઇસના પાણીમાં થેરપી લેતો દેખાય છે. આ પહેલી વખત નથી જ્યારે તે પોતાની ફિટનેસ ટ્રિકથી લોકોને ચોંકાવી દે છે. અગાઉ પણ તે બૅલૅન્સ કન્ટ્રોલ કરવા માટે ચાર માળના બિલ્ડિંગના પૅરાપેટ પર દોડતો જોવા મળ્યો હતો. પોતાના બિઝી શેડ્યુલ છતાં પણ તે ફિટનેસ માટે ટાઇમ ફાળવી લે છે.
‘જન્મભૂમિ’માં સંજય દત્ત સાથે દેખાશે સની
‘ગદર 2’ની સફળતા બાદ હવે સની દેઓલ ‘જન્મભૂમિ’માં કામ કરશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત પણ દેખાશે. ફિલ્મનું શૂટિંગ આવતા અઠવાડિયાથી ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં શરૂ થશે. ફિલ્મને મનોજ નૌટિયાલ ડિરેક્ટ કરશે અને વાયકૉમ 18 પ્રોડ્યુસ કરશે. રામ મંદિરના મુદ્દાને લઈને આ ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા પર આધારિત રહેશે. એવું જાણવા મળ્યું છે કે સની દેઓલ અને સંજય દત્ત વકીલની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય એવી શક્યતા છે. સની દેઓલ અને સંજય દત્ત ‘બાપ’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું થોડા ભાગનું શૂટિંગ બાકી છે. આ સિવાય સની દેઓલ ‘બૉર્ડર 2’માં પણ દેખાશે.
ગર્લફ્રેન્ડ આશના સાથે સગાઈ કરી અરમાન મલિકે
સિંગર અને સૉન્ગ રાઇટર અરમાન મલિકે તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ ફૅશન ઇન્ફ્લુઅન્સર આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. એન્ગેજમેન્ટના ફોટો અરમાને શૅર કર્યા છે. પહેલા ફોટોમાં અરમાન ઘૂંટણિયે બેસીને આશનાને રિંગ પહેરાવી રહ્યો છે. બીજા ફોટોમાં બન્ને હસી રહ્યાં છે અને ત્રીજા ફોટોમાં આશનાને કપાળે અરમાન કિસ કરી રહ્યો છે. અરમાન મલિકે હિન્દી, ગુજરાતી, તેલુગુ, ઇંગ્લિશ, બંગાળી, કન્નડ, મરાઠી, તામિલ, પંજાબી, ઉર્દૂ અને મલયાલમમાં ગીતો ગાયાં છે. એન્ગેજમેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અરમાન મલિકે કૅપ્શન આપી હતી, અહીંથી અમારી સાથે રહેવાની જર્નીની શરૂઆત થાય છે.
સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલા ગઈ કાલે સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી હતી. તેણે યલો ડ્રેસ પહેર્યો હતો. તેના કપાળે તિલક લગાવેલું હતું અને તે હાથ જોડીને ગણપતિબાપ્પા સામે પ્રાર્થના કરતી જોવા મળી હતી. (તસ્વીર : અતુલ સાંગાણી)
‘કહ દૂં તુમ્હેં’ માટે મને ઑડિશન દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો : મુદિત નાયર
મુદિત નાયરને સ્ટાર પ્લસ પર આવતા ‘કહ દૂં તુમ્હે’ માટે પસંદ કરવામાં આવ્યો છે. સ્ટાર પ્લસ પર આવી રહેલા આ થ્રિલર શોમાં તે વિક્રાન્તનું પાત્ર ભજવી રહ્યો છે. આ શો પંચગનીમાં સેટ છે. આ શોમાં મર્ડર મિસ્ટરી અને લવ સ્ટોરી બન્ને જોવા મળશે. યુક્તિ કપૂર અને મુદિત નાયર અનુક્રમે કીર્તિ અને વિક્રાન્તના લીડ પાત્રમાં જોવા મળશે. આ શો માટે કેવી રીતે પસંદ કરવામાં આવ્યો એ વિશે વાત કરતાં મુદિતે કહ્યું કે ‘મને ‘કહ દૂં તુમ્હેં’માં ઓલ્ડ સ્ટાઇલમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. મને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી અને મેં ઑડિશન આપ્યું હતું. પ્રોડ્યુસર શ્વેતા શિંદે દ્વારા એ ઑડિશન ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. હું ટેલિવિઝન કરવા માટે તૈયાર નહોતો, પરંતુ વિક્રાન્તનું કૅરૅક્ટર જ્યારે મને નરેટ કરવામાં આવ્યું હતું ત્યારે મને એ ખૂબ જ પસંદ પડ્યું હતું. ઍક્ટર માટે એવું હંમેશાં નથી બનતું કે તેને રોજેરોજ આવાં પાત્ર ઑફર થતાં હોય. આ પાત્રમાં દરેક પ્રકારનાં ઇમોશન્સ જોવા મળશે. વિક્રાન્તનું પાત્ર ભજવીને એને અલગ ઊંચાઈએ લઈ જવા માગું છું. આ શોની થીમ થોડી ડાર્ક અને અન્ય શોથી અલગ છે. આ શોનું લોકેશન પણ શોના પ્લૉટ અને સ્ક્રીનપ્લે પર અસર પાડશે. ‘કહ દૂં તુમ્હેં’ એક ખૂબ જ ઝડપથી ચાલતો થ્રિલર શો છે. આ શોમાં દરેક પાત્રને ડેવલપ થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ શો પહેલા એપિસોડથી દર્શકોમાં કુતૂહુલ જગાડશે.’

