નેપોટિઝમને લઈને આડકતરી રીતે કંગના પર પ્રહાર કર્યો સોનાક્ષી સિંહાએ
તસવીર સૌજન્ય: ટ્વીટર
સોનાક્ષી સિંહાએ બૉલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમને લઈને નામ લીધા વગર પરોક્ષ રીતે કંગના પર પ્રહાર કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદથી નેપોટિઝમ પર વિવાદ ચગ્યો છે. એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘આ મને ખૂબ રમૂજ લાગે છે કે નેપોટિઝમ શબ્દ એક એવી વ્યક્તિએ ઉપજાવી કાઢ્યો અને સેન્સેશનલાઇઝ કર્યો છે જેનું કામ તેની બહેન મૅનેજ કરે છે. મને નથી લાગતું કે આવા લોકોને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે.’
સોનાક્ષીના પિતાએ કદી પણ તેના માટે કોઈ પ્રોડ્યુસરને કૉલ નહોતો કર્યો. એ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મેં પહેલાં પણ કહ્યું હતું એમ મારા પિતા (શત્રુઘ્ન સિંહા)એ કદી પણ કોઈ પ્રોડ્યુસરને કૉલ કરીને એમ નથી કહ્યું કે તમારી ફિલ્મમાં મારી દીકરીને કામ આપો. મને ૨૦૧૦માં ‘દબંગ’ ઑફર કરવામાં આવી હતી, કારણ કે મારી ફેમિલી સલમાન ખાનનાં પરિવારને ઓળખે છે, બસ એટલુ જ છે. તેમણે મને જોઈ અને વિચાર્યું કે હું આ રોલમાં ફિટ બેસીશ. એથી મને ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. ત્યારબાદ તો મારે સખત મહેનત કરવી પડી હતી.’
ADVERTISEMENT
બૉલીવુડની યંગ એક્ટ્રેસની જે પ્રકારે નિંદા કરવામાં આવે છે એ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘લોકો યંગ યુવતીઓ જેવી કે અનન્યા પાન્ડે, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, સોનમ કપૂર પર કટાક્ષ કરે છે. કલ્પના કરો કે તેઓ કેવા પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થતી હશે. આ સારી વાત નથી. હું જાણું છું કે એ છોકરીઓ સ્ટ્રૉન્ગ છે. તેઓ આમાંથી પણ પાર ઊતરશે. એથી હું તેમના માટે ખુશ છું. હું એ પણ જાણું છું કે લોકોને ધક્કો લાગ્યો છે અને એથી તેઓ પોતાનો બળાપો ક્યાંકને ક્યાંક તો કાઢશે જ. જોકે આ બધા લોકો પર નેપોટિઝમને લઈને પ્રહાર કરવામાં આવે છે તેમને તેમની ફૅમિલીએ લૉન્ચ નથી કર્યાં. એથી જે કંઈ પણ થઈ રહ્યું છે એ ખરેખર ભયાવહ છે.’

