નવાઝુદ્દીન અને આલિયાએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં.
આલિયા સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની વાઇફ આલિયા સિદ્દીકીએ તેને અને તેનાં બાળકોને ઘરમાં ન ઘૂસવા દેવાના આરોપ લગાવ્યા હતા, જેને નવાઝુદ્દીનની ટીમે ફગાવી કાઢ્યા છે. આલિયાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો અને એમાં તે જણાવી રહી હતી કે તેને અને તેનાં બે બાળકોને નવાઝુદ્દીનના ગાર્ડ્સે રાતે ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં છે. નવાઝુદ્દીન અને આલિયાએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧માં આલિયાએ ડિવૉર્સની નોટિસ નવાઝુદ્દીનને મોકલી હતી. થોડા સમય અગાઉ આલિયાએ તેના પર રેપના ચાર્જ પણ લગાવ્યા છે.
નવાઝુદ્દીનની મમ્મી મેહરુનિસ્સા સિદ્દીકી પર પણ આલિયાએ વિવિધ આરોપ લગાવ્યા હતા. હવે ઘરમાંથી કાઢી નાખવાના આરોપ પર ચોખવટ કરતાં નવાઝુદ્દીનની ટીમે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે ‘નવાઝુદ્દીનની વાઇફ આલિયા સિદ્દીકીએ જણાવ્યું કે તેને ઘરમાં પ્રવેશ નથી આપવામાં આવ્યો, પરંતુ હકીકત એ છે કે નવાઝુદ્દીને તેની પ્રૉપર્ટી તેની અમ્મી મેહરુનિસ્સા સિદ્દીકીના નામે કરી દીધી છે. એથી એ પ્રૉપર્ટીમાં કોઈ પ્રવેશ કરે એ વિશે ફેંસલો લેવા માટે નવાઝુદ્દીનને અધિકાર નથી. મેહરુનિસ્સા સિદ્દીકીએ માત્ર તેનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રનને જ પ્રવેશ કરવાની મંજૂરી આપી છે. તાજેતરમાં વાઇરલ થયેલા વિડિયોમાં આલિયા દાવો કરી રહી છે કે તેની પાસે કોઈ અન્ય ઠેકાણું નથી કે જેમાં તે રહી શકે. આ વાત તદ્દન ખોટી છે. વાસ્તવમાં તો નવાઝે તેને મુંબઈમાં ૨૦૧૬માં એક આલીશાન ફ્લૅટ લઈ આપ્યો છે, એને તેણે પોતાની મરજીથી ભાડા પર આપ્યો છે. એ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈએ તેને પ્રૉપર્ટીમાંથી બહાર નથી કાઢી. સાથે જ એ વાતનો પણ સ્પષ્ટ પુરાવો છે કે બાળકોને ઘરમાંથી કોઈએ ધકેલી નથી દીધાં.’