લંડનમાં હોવા છતાં બહાર ફરી નથી શકતો નવાઝુદ્દીન
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી લંડનમાં ‘સંગીન’નું શૂટિંગ કરી રહ્યો છે. જોકે કોરોના વાઇરસને કારણે તે અન્ય સ્થાનોએ ફરવા નથી જઈ શકતો. મહામારીને કારણે આ ફિલ્મનું શૂટિંગ જેમ બને એમ વહેલું પૂરું કરવાની મેકર્સની ઇચ્છા છે. એને માટે શૂટિંગ-શેડ્યુલના કલાકો પણ વધારી દેવામાં આવ્યા છે. તેમના સ્ટાફ અને ટીમને બાયો-બબલમાં રાખવામાં આવ્યાં છે. જયદીપ ચોપડા ડિરેક્ટેડ આ ફિલ્મમાં એલનાઝ નોરોઝી પણ લીડ રોલમાં છે. શૂટિંગ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘હું પહેલી વખત લંડનમાં શૂટિંગ કરી રહ્યો છું અને હું આ સુંદર શહેરનાં વિવિધ સ્થાનોની મુલાકાત નથી લઈ શકતો. વર્તમાન સ્થિતિ અને એ સ્થિતિમાં શૂટિંગ કરતા હોવાથી સમજી શકું છું. સાથે જ ચોક્કસ નિયમોનું પણ પાલન કરીએ છીએ. આ મહામારીનો જેમણે દૃઢતાથી સામનો કર્યો તેમના પ્રત્યે મને માન છે. આખું યુનિટ સખત મહેનત કરી રહ્યું છે. આશા રાખીએ કે સમયસર અમે શેડ્યુલ પૂરું કરી શકીએ.’
આ વિશે એલનાઝે કહ્યું કે ‘લાંબા સમય સુધી કામ કરવું એ સમસ્યા નથી. લાંબા ગાળા સુધી કામ કરવાને ‘સંગીન’ની આખી ટીમે એક મજેદાર અનુભવ બનાવ્યો છે એ પ્રશંસનીય છે.’

