સલમાનભાઈ અલગ છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે શાહરુખ ખાન સાથે કામ કરવાથી તેને ઘણાંબધાં રિહર્સલ કરવા મળે છે. તો સલમાન ખાન સાથે કામ કરવાનો અનુભવ જ અલગ છે. ૨૦૧૭માં આવેલી ‘રઈસ’માં શાહરુખ સાથે નવાઝુદ્દીને કામ કર્યું છે. શાહરુખ સાથેનો અનુભવ શૅર કરતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘શાહરુખ ખાન સાથે કામ કરવાની સારી વાત એ છે કે અમને વધારે રિહર્સલ કરવા મળે છે. એવામાં જો ટીમને એવું લાગે કે કોઈ ચોક્કસ સીનને ફરીથી શૂટ કરવાનો છે તો અમે ફરીથી એને રીશૂટ પણ કરીએ છીએ.’
૨૦૧૪માં આવેલી ‘કિક’માં અને ૨૦૧૫માં આવેલી ‘બજરંગી ભાઈજાન’માં નવાઝુદ્દીને સલમાન સાથે કામ કર્યું હતું. તેની સાથે કામના અનુભવ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘સલમાનભાઈ સાથે કામ કરવાનો અનુભવ જ કંઈક અલગ હોય છે. એક ઍક્ટર તરીકે તે ખૂબ શાનદાર છે. તેઓ તમને બોલવા માટે બેસ્ટ ડાયલૉગ્સ આપે છે. તે તમારી સાથે કૅમેરાની સામે આવે છે અને કહે છે કે ‘યે લે યે ડાયલૉગ તૂ બોલ લે યાર.’ મને ભાઈ સાથે કામ કરવાની ખૂબ મજા આવી છે.’
ADVERTISEMENT
જે સ્ટાર્સ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફી લે છે એ ફિલ્મને નુકસાન પહોંચાડે છે : નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દિકીનું માનવું છે કે જે સ્ટાર્સ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફી તરીકે લે છે એ ફિલ્મને હાનિ પહોંચાડે છે. ‘હડ્ડી’ ફિલ્મમાં નવાઝુદ્દીન એક ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાવાનો છે. તેને પૂછવામાં આવ્યું હતું કે સિનેમા અને મોટા બજેટની ફિલ્મમાંથી તું કોને પસંદ કરીશ? એનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘આ એક ઐતિહાસિક સત્ય છે કે પૈસા હંમેશાં સારા આઇડિયા અને પૅશનની પાછળ ભાગે છે. મારી પાસે ટ્રિલ્યન ડૉલર્સ હોય પરંતુ જો મારી પાસે સારો આઇડિયા વિચારવાની ક્ષમતા ન હોય તો મારા પૈસા તો ડૂબી ગયા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણથી વાત કરું તો જો કોઈ વ્યક્તિ પાસે સારી સ્ક્રિપ્ટ હોય તો પ્રોડ્યુસર એ સ્ક્રિપ્ટ મેળવવા માટે તેની પાછળ બેફામ પૈસા ખર્ચીને ભાગશે. આપણે એક સક્ષમ અને શાનદાર સ્ક્રિપ્ટ આપી શકે એવા માણસ પર ભરોસો રાખવો જોઈએ.’
બાદમાં તેને પૂછવામાં આવ્યું હતું કે બૉક્સ-ઑફિસના કલેક્શન માટે ઍક્ટરની પણ જવાબદારી હોય છે? એનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘બૉક્સ-ઑફિસના બિઝનેસની જવાબદારી પ્રોડ્યુસરની છે. ઍક્ટરને ટિકિટના વેચાણની ચિંતા નથી હોતી. મને એની કળામાં ભ્રષ્ટાચાર દેખાય છે. ઍક્ટર બૉક્સ-ઑફિસના કલેક્શન વિશે ચર્ચા કેમ નથી કરતા? જે સ્ટાર્સ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે તેઓ ફિલ્મોને નુકસાન પહોંચાડી રહ્યા છે. નાના બજેટની ફિલ્મો નિષ્ફળ નથી જતી. ફિલ્મોનું મોટું બજેટ હદ પાર કરે છે, જે ફ્લૉપ થવાની છે. ઍક્ટર્સ, ડિરેક્ટર્સ અને સ્ટોરીટેલર્સ કદી પણ ફ્લૉપ નથી થતા. ફિલ્મનું ધરખમ બજેટ એને ફ્લૉપ બનાવે છે.’