પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ અનેક વાતો જણાવી છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે તેની સ્ટ્રગલ દરમ્યાન તેનું અનેક વખત ભારે અપમાન થયું હતું. એક વખત તો સેટ પર જમતી વખતે તેને કૉલર પકડીને બહાર કાઢવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં આજે તેણે જે નામના મેળવી છે એની પાછળ તેની ઘણાં વર્ષોની મહેનત છે. શરૂઆતમાં તેને જે પણ નાના રોલ મળતા તે એ કરતો હતો. ઇન્ડસ્ટ્રીમાં તેને ખરી ઓળખ અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’થી મળી હતી. પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ અનેક વાતો જણાવી છે. તેને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય સેટ પર તારી સાથે અપમાનભર્યું વર્તન થયું હતું? એનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘હા, હજાર વખત થયું છે. સેટ પર હું જ્યારે કોઈ સ્પૉટબૉય પાસે પાણી માગતો ત્યારે તે મારા તરફ ધ્યાન પણ નહોતો આપતો. પછી મારે મારી મેળે જ લેવું પડતું. અનેક પ્રોડક્શન્સ છે જે કાસ્ટ અને ક્રૂને જમતી વખતે જુદા બેસાડતા હતા. જુનિયર આર્ટિસ્ટ અલગ બેસીને જમતા, સપોર્ટિંગ આર્ટિસ્ટ પોતાની રીતે જમી લેતા અને લીડ ઍક્ટર્સ પણ નોખા જમવા બેસતા. યશરાજ ફિલ્મ્સના પ્રોડક્શન્સમાં તો બધા સાથે બેસીને જમે છે. જોકે કેટલાંક પ્રોડક્શન-હાઉસ વિભાજન કરે છે. હું હંમેશાં પ્રયાસ કરતો કે જ્યાં લીડ ઍક્ટર્સ જમી રહ્યા છે ત્યાં જઈને જમવા બેસું, પરંતુ મને તો કૉલર પકડીને ઢસડીને બહાર કાઢવામાં આવ્યો હતો. મારો અહમ્ ઘવાતો હતો. હું ગુસ્સે થતો હતો. મને લાગતું કે દરેક ઍક્ટર્સને એકસરખું માન મળવું જોઈએ.’