બૉલીવુડમાં જે ટાઇપકાસ્ટ થાય છે તે હીરો બની જાય છે: નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે ટાઇપકાસ્ટ ઍક્ટર ક્યારેય થવા નથી માગતો. તેનું માનવું છે કે બૉલીવુડના મેઇનસ્ટ્રીમ ઍક્ટર ટાઇપકાસ્ટ થાય છે. તે હંમેશાં નવાં-નવાં પાત્રોને પસંદ કરવા માગે છે. આ વિશે વાત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘મારું માનવું છે કે હું એક ઍક્ટર છું જે જુદાં-જુદાં પાત્રો ભજવે છે. બૉલીવુડમાં જે ટાઇપકાસ્ટ થઈ જાય છે તે હીરો કહેવાય છે જેઓ તેમની ૩૦થી ૩૬ વર્ષની કરીઅરમાં એકસરખા પાત્રો કરતા આવે છે. હું ભગવાનનો આભાર માનું છું કે મને જુદાં-જુદાં પાત્રો ભજવવાની તક મળી છે. જો હું ‘મન્ટો’ કરતો હોત તો હું ‘ઠાકરે’ પણ કરતો હોઉં છું. જો મેં ‘રાત અકેલી હૈ’માં પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવ્યું હોય તો મેં ‘સિરિયસ મૅન’ પણ કરી છે. મેં ‘ફોટોગ્રાફ’ પણ કરી છે અને મેં ‘કિક’ પણ કરી છે. મને લાગે છે કે મને આ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં અદ્ભુત પાત્રો ભજવવાની તક મળી છે. હીરો જે હોય એ ટાઇપકાસ્ટ થાય છે. તમે છેલ્લાં ૪૦ વર્ષને લઈ લો, હીરો હંમેશાં એકસરખાં પાત્રો ભજવતો આવે છે. એક જ પ્રકારના કૉસ્ચ્યુમ અને એક્સપ્રેશન હોય છે. દરેક વસ્તુ સરખી હોય છે. આવું જે પણ વ્યક્તિ કરે છે એ ટાઇપકાસ્ટ થઈ જાય છે. ભગવાનની કૃપા છે કે હું હીરો નથી બન્યો એટલે કે ટિપિકલ ફિલ્મોમાં હીરો હોય એ. જો એવું થયું તો હું આ કામ છોડી દઈશ, કારણ કે એકસરખું કામ કરીને હું કંટાળી જઈશ. હું એ બદલ ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું કે એણે મને વિવિધ પાત્રો આપ્યાં.’

