હાલમાં તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં
ફાઇલ તસવીર
નસીરુદ્દીન શાહે પોતાની વાતથી સૌને ચોંકાવી દીધા છે. તેમણે જણાવ્યું કે તેમણે ફાર્મહાઉસના વૉશરૂમનાં હૅન્ડલ્સ તેમને મળેલી ટ્રોફીથી બનાવ્યાં છે. હાલમાં તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. અવૉર્ડ્સને લઈને નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘મને આ ટ્રોફીમાં કોઈ વૅલ્યુ નથી દેખાતી. શરૂઆતમાં મને જ્યારે ટ્રોફી મળી ત્યારે હું ખૂબ ખુશ હતો. જોકે બાદમાં તો મારી આસપાસ ટ્રોફીનો ઢગલો થવા માંડ્યો હતો. કોઈને અવૉર્ડ મળે તો એ તેની કાબેલિયતને કારણે મળ્યો હોય એવું જરૂરી નથી. એથી મેં એના પર ધ્યાન આપવાનું છોડી દીધું. ત્યાર બાદ મને જ્યારે પદ્મશ્રી અને પદ્મભૂષણ મળ્યો ત્યારે તો મને મારા સ્વર્ગીય પિતાની યાદ આવી ગઈ હતી. એથી હું જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો ત્યારે મેં ઉપર જોયું અને પિતાને પૂછ્યું કે શું તમે આ બધું જોઈ રહ્યા છો. મને પૂરી ખાતરી છે કે તેઓ ખુશ હશે. તમે અનેક લોકોમાંથી કોઈ એકને પસંદ કરીને જાહેર કરો કે તે બેસ્ટ ઍક્ટર ઑફ ધ યર છે તો એ કેટલું યોગ્ય કહેવાય? મને એ અવૉર્ડ્સ પર ગર્વ નથી થતો. હું તો છેલ્લા બે અવૉર્ડ્સ લેવા પણ નહોતો ગયો. એટલે મેં જ્યારે મારું ફાર્મહાઉસ બનાવ્યું ત્યારે મેં એ અવૉર્ડ્સને ત્યાં મૂક્યા છે. જે કોઈ વ્યક્તિ ત્યાંના વૉશરૂમમાં જશે ત્યારે તેને ત્યાં બે અવૉર્ડ્સ જોવા મળશે, કેમ કે એના હૅન્ડલ્સ ફિલ્મફેર અવૉર્ડ્સથી બનાવવામાં આવ્યાં છે.’
કઈ વાતનો આજે પણ પસ્તાવો છે નસીરુદ્દીન શાહને
ADVERTISEMENT
નસીરુદ્દીનને આજે પણ તેના પિતા સાથેના સંબંધો ન સુધરવાનો પસ્તાવો છે. પિતાની છેલ્લી ઘડીએ પણ તેઓ ત્યાં હાજર નહોતા રહ્યા. બન્ને વચ્ચેનું અંતર ઘટી ન શકવાનો અફસોસ આજે પણ છે. પિતાની અંતિમયાત્રામાં પણ તેઓ હાજર નહોતા. જોકે તેમણે તેમની કબર પર જઈને દિલની વાતો કહી દીધી હતી. નસીરુદ્દીનની દીકરીએ પિતા અને દાદા વચ્ચેના મતભેદને કૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.