આ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે તે જૉનને સુપર સ્લિમ અવતારમાં દેખાડશે
જૉન એબ્રાહમ
શાહરુખ ખાનની ‘પઠાન’માં તેના કટ્ટર દુશ્મન જૉન એબ્રાહમના પાત્રનું નામ જિમ રાખવામાં આવ્યું છે. આદિત્ય ચોપડા ‘પઠાન’ દ્વારા એક સ્પાય યુનિવર્સ બનાવી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા તે ‘ટાઇગર’ અને હૃતિક રોશનની ‘વૉર’નાં પાત્રનો પણ આ યુનિવર્સમાં સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. ‘પઠાન’માં શાહરુખની સાથે જૉન એબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનું હાલમાં જ જ્યુક બૉક્સ રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં ‘બેશરમ રંગ’, ‘ઝૂમે જો પઠાન’ અને ‘પઠાન્સ થીમ’ની સાથે ‘જિમ્સ થીમ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આના પરથી બહાર આવ્યું છે કે ‘પઠાન’ના કટ્ટર દુશ્મનનું નામ જિમ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે તે જૉનને સુપર સ્લિમ અવતારમાં દેખાડશે. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે વિલનનું પ્રોજેક્શન હીરો કરતાં મોટું નહીં તો એની બરાબર હોવું જોઈએ. વિલન જ્યાં સુધી મોટો નહીં દેખાય ત્યાં સુધી હીરો વચ્ચેની લડાઈ એટલી શાનદાર જોવા નહીં મળે. શાહરુખ જ્યારે જૉન સામે લડાઈ કરશે ત્યારે તેમની વચ્ચેની ફાઇટ એક અલગ જ લેવલની જોવા મળશે.’