મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે મને મ્યુઝિક આપવા બોલાવ્યો હતો. - કીરાવાણી
અજય દેવગન
‘RRR’માં ‘નાટુ નાટુ’ ગીત માટે મ્યુઝિક કમ્પોઝ કરનાર એમ. એમ. કીરાવાણી હવે અજય દેવગનની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’માં મ્યુઝિક આપશે. આ ફિલ્મને નીરજ પાન્ડે બનાવી રહ્યો છે. અગાઉ પણ એમ. એમ. કીરાવાણીએ હિન્દી ફિલ્મમાં મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. એ વિશે એમ. એમ. કીરાવાણીએ કહ્યું કે ‘હું ૨૦૦૦થી ૨૦૦૨ સુધી હિન્દી સિનેમામાં ખૂબ ઍક્ટિવ હતો. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે મને મ્યુઝિક આપવા બોલાવ્યો હતો. તેમની ફિલ્મોમાં મ્યુઝિક આપવુ મને ગમે છે. તેમનાં ‘જાદુ હૈ નશા હૈ’ અને ‘આવારાપન બંજારાપન’ ગીત ખૂબ પૉપ્યુલર થયાં હતાં. ત્યાર બાદ હું તેલુગુ સિનેમામાં વ્યસ્ત થઈ ગયો હતો. એથી હું બૉલીવુડ પર ખાસ ધ્યાન ન આપી શક્યો. સાથે જ ત્યાંની ઑફર્સ પણ કંઈ ખાસ નહોતી.’
તેઓ વિશ્વના કોઈ પણ ઠેકાણે કામ કરવા માટે તૈયાર છે. એ વિશે એમ. એમ. કીરાવાણીએ કહ્યું કે ‘માત્ર ભારતમાં જ શું કામ? હું તો વિશ્વના કોઈ પણ સ્થળે કામ કરવા માટે કમ્ફર્ટેબલ છું. હિન્દી સિનેમામાં નીરજ પાન્ડે સાથે મારા કામની રિલેશનશિપ સહજ છે. મેં નીરજની ‘સ્પેશ્યલ 26’ અને ‘બેબી’માં મ્યુઝિક આપ્યું હતું. તેમણે મને જ્યારે અજય દેવગનની ફિલ્મ ઑફર કરી તો મેં વિચાર્યા વગર તરત હા પાડી દીધી હતી.’