આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનાં નાની જર્મનીનાં હતાં
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનાં નાની જર્મનીનાં હતાં. આલિયા કહે છે, ‘એ સમયે જર્મનીમાં કેવી પરિસ્થિતિ હતી એની આપણને સૌને જાણ છે. નાનીના પપ્પા એટલે કે મારા પરનાના બીજા વિશ્વયુદ્ધ પહેલાં ઍડોલ્ફ હિટલરના વિરોધમાં અન્ડરગ્રાઉન્ડ ન્યુઝપેપર ચલાવતા હતા.’
આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને અગાઉ આ મુદ્દે માહિતી શૅર કરતાં કહ્યું હતું કે તેના નાનાને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને એક તબક્કે તેમને કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ઍડોલ્ફ હિટલરનું શાસન આવ્યું એ પહેલાં સોની રાઝદાનનો પરિવાર ઈસ્ટ બર્લિનમાં રહેતો હતો. તેના ગ્રૅન્ડફાધર કાર્લ હોલઝર હિટલરના વિરોધમાં છાપું ચલાવતા હતા. તેઓ યહૂદી નહોતા પણ ફાસીવાદી પ્રવૃત્તિના વિરોધી હતા. તેઓ સારા વકીલ હોવાથી તેમને મારી નાખવામાં આવ્યા નહોતા, તેમને છોડી મૂકવામાં આવ્યા હતા અને જર્મની છોડવાનો આદેશ અપાયો હતો. તેઓ પરિવાર સાથે ઇંગ્લૅન્ડ જતા રહ્યા હતા. સોની રાઝદાનનો જન્મ બર્મિંગહૅમમાં થયો હતો. સોની રાઝદાનનાં મમ્મી જર્મન અને પિતા એન. રાઝદાન કાશ્મીરી પંડિત હતા.