જાવેદ અખ્તરની ફરિયાદ પર મુંબઈ કોર્ટે સમન્સ મોકલ્યા કંગના રનોટને
જાવેદ અખ્તરની ફરિયાદ પર મુંબઈ કોર્ટે સમન્સ મોકલ્યા કંગના રનોટને
જાવેદ અખ્તરે કંગના રનોટ વિરુદ્ધ જે માનહાનિનો દાવો કર્યો હતો એના આધારે મુંબઈ કોર્ટે તેને સમન્સ મોકલ્યા છે. ૨૦૨૦ના નવેમ્બરમાં જાવેદ અખ્તરે તેમની છબી ખરડવાનો આરોપ કંગના પર મૂક્યો હતો. ૨૦૨૦ના ડિસેમ્બરમાં અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટે આ કેસમાં વધુ તપાસ કરવાના આદેશ જુહુ પોલીસને આપ્યા હતા. ગઈ કાલે પોલીસે પોતાની તપાસ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવી હતી. આ રિપોર્ટને ધ્યાનમાં રાખતાં મૅજિસ્ટ્રેટ આર. આર. ખાને કંગના વિરુદ્ધ સમન્સ બહાર પાડ્યા છે. આ કેસની આગામી સુનાવણી ૧ માર્ચે થવાની છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ કંગનાએ બૉલીવુડના જૂથવાદમાં જાવેદ અખ્તરનું નામ ઉછાળ્યું હતું. એ આરોપોને તેમણે પાયાવિહોણા જણાવ્યા હતા. જાવેદ અખ્તરના વકીલ જયકુમાર ભારદ્વાજે કહ્યું હતું કે ‘પોલીસે ગયા મહિને કંગના વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કર્યા હતા અને તેને પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા માટે પોલીસ સમક્ષ હાજર રહેવાના આદેશ આપ્યા હતા, પરંતુ કંગના હજી સુધી હાજર થઈ શકી નથી.’

