ફિલ્મના ડાયલૉગ્સ પણ વિવાદનું કારણ બન્યા છે.
મુકેશ ખન્ના
‘મહાભારત’માં ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્નાએ ‘આદિપુરુષ’ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરનાર ટી-સિરીઝ પર રોષ વ્યક્ત કર્યો છે. પ્રભાસ અને ક્રિતી સૅનનની આ ફિલ્મને લઈને લોકોની નારાજગી ખૂબ વધી ગઈ છે. ફિલ્મના ડાયલૉગ્સ પણ વિવાદનું કારણ બન્યા છે. ઓમ રાઉતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને અનેક ઠેકાણે બૅન કરવાની માગણી ઊઠી છે. એવામાં મુકેશ ખન્નાએ તો ટી-સિરીઝના ભૂષણ કુમાર પર જ નિશાન તાક્યું છે. તેના પિતા ગુલશન કુમાર ભજન અને ભક્તિમય ગીતો બનાવવા માટે ફેમસ હતા. એવામાં ટી-સિરીઝ પર બળાપો કાઢતાં મુકેશ ખન્નાએ કહ્યું કે ‘તમે જાણો છો ટી-સિરીઝ કોણ સંભાળતું હતું, જે પોતે ભજનોમાં દેખાતા અને ભજનો બનાવતા હતા. એક સમયે ભક્તિમય ગીતો ટી-સિરીઝની ઓળખ હતી. હવે તેમના દીકરાએ આવી રીતે ‘રામાયણ’ને પ્રોડ્યુસ કરી છે. આવું કરીને તે પિતાની ખ્યાતિને ફેલાવે છે કે ખરડાવે છે? જો દેશના લોકો આવું બધું બંધ નહીં કરે તો મને એવું લાગશે કે દેશના સો કરોડ હિન્દુઓ હજી સુધી જાગ્યા નથી.’