ટીનુ સુરેશ દેસાઈ દ્વારા ફિલ્મને વધુ રિયલિસ્ટિક દેખાડવાની જરૂર હતી : કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોની માનસિક સ્થિતિને અને કૅપ્સ્યુલ બનાવવામાં આવી હતી એ બે પૉઇન્ટને વધુ સારી રીતે એક્સપ્લોર કરી શકાયા હોત
ફિલ્મ રિવ્યુ
`મિશન રાનીગંજ`માં અક્ષય કુમાર
ફિલ્મ : મિશન રાનીગંજ
કાસ્ટ : અક્ષયકુમાર, પરિણીતી ચોપડા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા, વરુણ બડોલા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા, વીરેન્દ્ર સકસેના, અનંત મહાદેવન, જમીલ ખાન, સુધીર પાંડે
ADVERTISEMENT
ડિરેક્ટર : ટીનુ સુરેશ દેસાઈ
રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)
અક્ષયકુમારની ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ ગઈ કાલે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને રિયલ લાઇફ સ્ટોરી પરથી બનાવવામાં આવે છે જેમાં અક્ષયકુમારે સિનિયર માઇન એન્જિનિયર જસવંત સિંહ ગિલનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મને ‘રુસ્તમ’ના ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી ૧૯૮૯ની ૧૩ નવેમ્બરે વેસ્ટ બંગાળના રાનીગંજમાં આવેલી મહાવીર કોલસાની ખાણમાં થયેલી ઘટના પર આધારિત છે. જસવંત સિંહ ગિલ સિનિયર એન્જિનિયર હોય છે. તે એક દિવસ ટ્રાફિકમાં ફસાયો હોય છે ત્યાં તેને ખબર પડે છે કે એક કોલસાની ખાણમાં દુર્ઘટના ઘટી છે અને રેસ્ક્યુ માટે વૅન જઈ રહી છે. આ વૅન માટે ટ્રાફિક દૂર કરી તે પણ એ કોલસાની ખાણમાં પહોંચે છે. આ કોલસાની ખાણમાં બૉમ્બબ્લાસ્ટ ખોટી જગ્યાએ થતાં અંદર પાણી ભરાઈ જાય છે. આ સમયે ૨૦૦થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હોય છે. જોકે ચોક્કસ સમયે ન્યુઝ મળતાં ઘણા કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવે છે. જોકે એક યુનિટમાં ચોક્કસ સમયે સમાચાર ન પહોંચતાં ૬૫ લોકો ફસાઈ ગયા હોય છે. આ લોકોને બચાવવા માટે મિશન હાથ ધરવામાં આવે છે. અક્ષય જ્યારે ત્યાં પહોંચીને જુએ છે તો દરેક વ્યક્તિ શક્ય ન હોય એવા ઉપાય બતાવે છે. આ સમયે જસવંત સિંહ ગિલ એટલે કે અક્ષયકુમાર મદદ માટે હાથ લંબાવે છે. તે પહેલાં તો કોલસાની ખાણની એન્ટ્રી ક્યાં-ક્યાંથી છે એ નકશામાં જુએ છે અને એન્ટ્રન્સ પર પોતે જઈને જુએ છે. તે જ્યારે જુએ છે કે પાણીનો ફોર્સ બહુ છે એથી અંદર જઈને મદદ કરવી શક્ય નથી. આથી તે એક એવો વિકલ્પ વિચારે છે જે આજ સુધી ભારતમાં ક્યારેય કોઈએ ન વિચાર્યો હોય. તે એની મદદથી લોકોને બચાવે છે અને એના પર આ ફિલ્મ છે. જસવંત સિંહ ગિલને આ માટે ૧૯૯૧માં રાષ્ટ્રપતિ દ્વારા સર્વોત્તમ જીવન રક્ષા મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ટીનુ સુરેશ દેસાઈ પાસે સ્ટોરી હતી અને એ રિયલ સ્ટોરીને તેણે કાગળ પર ઉતારી ફક્ત સિનેમાના પડદા પર રજૂ કરવાની હતી. તેણે ‘રુસ્તમ’ દ્વારા લોકોને ચોંકાવી દીધા હતા, પરંતુ આ ફિલ્મ થોડી માર ખાઈ ગઈ છે. આ માર ખાવાનું કારણ ફક્ત અને ફક્ત ટેક્નિકલ છે. ફિલ્મને રિયલ લોકેશન અથવા તો રિયલિસ્ટક તરીકે શૂટ કરવાની જરૂર હતી, પરંતુ અહીં તો મોટા ભાગનાં દૃશ્યો ગ્રીન સ્ક્રીન પર શૂટ કરવામાં આવ્યાં હોય એવાં લાગે છે. સ્ટોરીને પહેલા પાર્ટમાં ખૂબ જ ઝડપથી ચાલતી દેખાડવામાં આવી છે, પરંતુ બીજા પાર્ટમાં એને વધુ થ્રિલિંગ બનાવવાની જગ્યાએ થોડા મેલોડ્રામા દેખાડવામાં આવ્યો છે. એ સમયે પણ આવી ઘટનાનો ઉપયોગ લોકો પૉલિટિકલ બેનિફિટ માટે કરતા હતા અને અક્ષયે લોકોને બચાવવાની સાથે એનો પણ સામનો કરવો પડ્યો હતો એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. જોકે કોલસાની ખાણમાં જ્યારે લોકો ફસાયા હોય ત્યારે તેમને બહાર કાઢવા માટે જે ત્રણ દિવસનો સમય લાગે છે એ દરમ્યાન મજૂરોની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય એ સ્વાભાવિક છે. આ વાતને ટીનુ સુરેશ દેસાઈ દ્વારા થોડી ઉપરછલ્લી દેખાડવામાં આવી છે. તેમ જ નવો બોરવેલ બનાવવો અને કૅપ્સ્યુલ અંદર ઉતારવી એ વાતને પણ દેખાડવામાં આવી છે, પરંતુ થોડી ઉપરછલ્લી. આ બન્ને મુદ્દાને થોડા ડીટેલમાં દેખાડવામાં આવ્યા હોત તો વાત જ અલગ હોત. ઉદાહરણ તરીકે બોરવેલ ખોદવા માટે મશીન જે હોય છે એ નવું બનાવવામાં આવે છે, પરંતુ એ તૂટી ગયું તો શું એને ડાયલૉગ દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે આ મશીન જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે એને એ રીતે બનાવવામાં આવ્યું હતું કે એ તૂટે નહીં તેમ જ જમીન ૨૫ ફુટ સુધી પોચી હોવાથી એનો પણ ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો એ દેખાડવાનું હતું.
પર્ફોર્મન્સ
આ ફિલ્મનો ભાર અક્ષયકુમારે પોતાના ખભા પર ઉઠાવ્યો છે. ફિલ્મમેકિંગ ખૂબ જ નબળું હોવા છતાં અક્ષયના પર્ફોર્મન્સને કારણે ફિલ્મ જોવાનું મન થાય છે. તેના બેસ્ટ પર્ફોર્મન્સમાંનો આ એક છે. આ ફિલ્મમાં બે દૃશ્યને બાદ કરતાં એક પણ જગ્યાએ એવું નથી લાગતું કે આ અક્ષયકુમાર છે. હા, તેની દાઢીને કારણે તેની ટીકા કરવામાં આવી શકે છે, પરંતુ તેની ચાલવાની અલગ સ્ટાઇલને કારણે જ ખબર પડે છે આ અક્ષયકુમાર છે બાકી તેની બૉડી લૅન્ગ્વેજને કારણે તે ખરેખર જસવંત સિંહ ગિલ હોય એવું દેખાઈ આવે છે. ફિલ્મમાં પરિણીતી ચોપડા થોડાં દૃશ્યો માટે જ છે. જસવંત સિંહ ગિલની પત્નીએ તેમને કેટલો સપોર્ટ આપ્યો હતો એ દેખાડવા માટે એ પાત્રનું હોવું જરૂરી હતું અને પરિણીતીએ એ કામ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. કુમુદ મિશ્રાનું પાત્ર ખૂબ જ સારું છે. તેમના ચહેરા પર આ ઘટનાનું ટેન્શન સતત દેખાતું રહે છે. આ સાથે જ પવન મલ્હોત્રા, વરુણ બડોલા, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા, વીરેન્દ્ર સકસેના, અનંત મહાદેવન, જમીલ ખાન અને સુધીર પાંડેએ કામ કર્યું છે. આ કાસ્ટ ખૂબ જ દમદાર છે. જોકે દરેક ઍક્ટરને સંપૂર્ણ ન્યાય નથી આપી શકાયો એમ છતાં તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. ખૂબ જ ઓછાં દૃશ્યમાં રવિ કિશને પોતાની છાપ છોડી છે. તેનું પાત્ર વધુ સારું હોત અને વધુ સમય માટે હોત તો બહેતર હોત.
મ્યુઝિક
આ ફિલ્મમાં બી પ્રાકનું ગીત ‘જિતેંગે’ બૅકગ્રાઉન્ડમાં છે અને એ સિચુએશનલ છે એટલે થોડું સારું લાગે છે. અક્ષય અને પરિણીતી પર જે ગીત ફિલ્માવવામાં આવ્યું છે એ એન્ડ ક્રેડિટમાં આવે છે એટલે એને સહન કરવું જરૂરી નથી બનતું. આ સાથે જ એક ગીત શરૂઆતમાં આવી જાય છે એટલે એ પણ ફિલ્મ શરૂ થતાં થોડા ફ્રેશ હોવાથી સહન થઈ જાય છે. આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ લાઉડ છે અને એ દૃશ્યો સાથે થોડું ક્લૅશ થાય છે.
આખરી સલામ
આ એક અદ્ભુત સ્ટોરી છે અને એને થોડી વધુ રિયલિસ્ટિક દેખાડવામાં આવી હોત તો ફિલ્મમાં એક અલગ જ થ્રિલ આવી હોત. તેમ જ એક કરોડ ગૅલન પાણી ખાણમાં હોય તો એને જે ઝડપથી વહેતું દેખાડવામાં આવે છે એને કારણે થતું નુકસાન પણ બરાબર દેખાડવામાં નથી આવ્યું. જોકે અક્ષયકુમારના પર્ફોર્મન્સને કારણે ફિલ્મ જોવી રહી.