અયોધ્યામાં રજૂ થનારી રામલીલામાં મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીતનાર અમદાવાદની રિયા સિંઘા સીતામાતાનો રોલ અદા કરશે: ઑડિશન માટે વિડિયો પણ બનાવ્યો હતો
રિયા સિંઘા
મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીતનાર અમદાવાદની રિયા સિંઘા હવે અયોધ્યામાં રજૂ થનારી રામલીલામાં સીતામાતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ઍક્ટિંગમાં કરીઅર બનાવવા માગતી મિસ યુનિવર્સ ઇન્ડિયાને રંગભૂમિ પર રોલ મળ્યો છે અને એનાથી તે બહુ જ ઉત્સાહી છે. આ રોલના ઑડિશન માટે તેણે વિડિયો પણ બનાવ્યો હતો.
રિયા સિંઘાએ ઉત્સાહથી ‘મિડ-ડે’ સાથે ખાસ વાત કરતાં કહ્યું હતું કે ‘હા, હું સીતામાતાનું પાત્ર ભજવવાની છું. અયોધ્યામાં દર વર્ષે રામલીલા ભજવાય છે એમાં આ વર્ષે હું સીતામાતાનો રોલ પ્લે કરવાની છું. આ નાટક માટે પ્રૅક્ટિસ પણ કરવાની છું.’
ADVERTISEMENT
સીતામાતાના રોલની ઑફર આવતાં રિયા સિંઘા ખુશ થઈ ગઈ છે અને આ રોલ અદા કરવા તે ઉત્સાહી છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ તે મિસ યુનિવર્સની તૈયારી કરી રહી છે એવા સમય વચ્ચે તેને સીતામાતાના રોલની ઑફર આવી હતી. પ્રભુ શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં રામલીલામાં સીતામાતાની ભૂમિકા અદા કરવા માટે તેને તક મળતાં તે પોતાને ભાગ્યશાળી માની રહી છે.
ઉલ્લેખનીય છે કે મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ રિયા સિંઘાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેને બૉલીવુડમાં એન્ટ્રી લેવી છે, તેને નાનપણથી જ ઍક્ટિંગનો બહુ શોખ છે અને એ સપનું તેને પૂરું કરવું છે. તે ‘લવ સ્ટોરી ઑફ નાઇન્ટીઝ’ મૂવીમાં સેકન્ડ લીડ પ્લે કરી રહી છે. આ ફિલ્મ હવે રિલીઝ થશે. હિન્દી ફિલ્મ ઉપરાંત તેણે તેલુગુ મૂવી પણ કરી છે.