દિલ્હીથી મુંબઈ આવતાં ટ્રેનમાં માત્ર ૨૪ કલાકમાં ફિલ્મની કથા લખી, થિયેટરોમાં એ ફિલ્મે ધૂમ મચાવી, પણ શાસ્ત્રીજી ફિલ્મ જોવા હયાત નહોતા
ઉપકાર ફિલ્મ
મનોજકુમારને ઘણા રાજનેતાઓ સાથે સારા સંબંધ હતા. ૧૯૬૫માં મનોજકુમારની ‘શહીદ’ સુપરહિટ ફિલ્મ ઠરી હતી અને એમાં દર્શકોને મનોજકુમારનો દેશભક્તિનો અંદાજ ઘણો ગમ્યો હતો. દિલ્હીમાં પણ આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ પહોંચ્યા હતા. એ સમયે મનોજકુમાર અને લાલ બહાદુર શાસ્ત્રીની મુલાકાત થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયું હતું અને લાલ બહાદુર શાસ્ત્રીએ તેમના જાણીતા સ્લોગન ‘જય જવાન, જય કિસાન’ પર ફિલ્મ બનાવવાની વિનંતી મનોજકુમારને કરી હતી. એ સમયે આ સૂત્ર લોકોને બહુ ગમ્યું હતું. આ મુદ્દે લાલ બહાદુર શાસ્ત્રીએ મનોજકુમારને કહ્યું હતું કે આર્મીનું શૌર્ય લોકોએ જોઈ લીધું છે, પણ હવે દેશમાં ખેડૂતની મહત્તા પણ સમજાવવી જરૂરી છે. લાલ બહાદુર શાસ્ત્રીએ યુદ્ધને કારણે થતી પરેશાનીઓના વિષયને પણ એમાં આવરી લેવાનું કહ્યું હતું.
મનોજકુમાર તેમની સલાહ માનીને ફિલ્મ બનાવવાનો વાયદો કરીને મુંબઈ માટે ટ્રેનમાં રવાના થયા હતા. તેમણે ટ્રેનમાં જ ફિલ્મની સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી અને મુંબઈ પહોંચતાં પહેલાં એ સ્ટોરી પૂરી કરી લીધી હતી.
ADVERTISEMENT
એ સમયે ઍક્ટર મનોજકુમારને ફિલ્મ બનાવવાનો અનુભવ નહોતો, પણ તેમણે ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવી અને એમાં ઍક્ટિંગ પણ કરી હતી. ‘ઉપકાર’ નામની એ ફિલ્મ ખેડૂતોના વિષય પર આધારિત હતી.
૧૯૬૭ની ૧૧ ઑગસ્ટે રિલીઝ થયેલી એ ફિલ્મે એ સમયે ૬.૮૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને એ ખૂબ મોટી સફળતા હતી. બૉક્સ-ઑફિસ પર એણે ઘણા રેકૉર્ડ તોડી નાખ્યા હતા અને ઑલટાઇમ બ્લૉકબસ્ટરમાં એનો સમાવેશ થયો હતો. આ ફિલ્મનાં ગીતો આજે પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિને આખા દેશમાં ગુંજી ઊઠે છે. ‘મેરે દેશ કી ધરતી’ આજે પણ લોકજીભે ચડી ગયેલું ગીત છે.
આ ફિલ્મને ૧૯૬૮માં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ સ્ટોરી અને બેસ્ટ ડાયલૉગ્સ મળીને ૪ એવૉર્ડ મળ્યા હતા. મનોજકુમારના દિગ્દર્શનમાં બનેલી ‘ઉપકાર’ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રેરણાથી બની હતી, પણ તેઓ એ જોઈ નહોતા શક્યા. ૧૯૬૬ની ૧૧ જૂને રશિયાના તાશ્કંદમાં તેમનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું.

