૧૯૮૧નું વર્ષ મનોજકુમારના જીવનમાં સૌથી મોટું વર્ષ હતું કારણ કે એ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ક્રાન્તિ’ રિલીઝ થઈ હતી
નરેન્દ્ર મોદીએ શેર કરેલી તસવીરો
૧૯૮૧નું વર્ષ મનોજકુમારના જીવનમાં સૌથી મોટું વર્ષ હતું કારણ કે એ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ક્રાન્તિ’ રિલીઝ થઈ હતી અને આશરે ૨૦ કરોડ રૂપિયાના કલેક્શન સાથે એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ બની હતી. એ વર્ષે અમિતાભ બચ્ચનની ‘નસીબ’, ‘યારાના’, ‘કાલિયા’ અને ‘લાવારિસ’ સુપરહિટ રહી હતી. રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવને ચમકાવતી ‘લવ સ્ટોરી,’ સુનીલ દત્તના પુત્ર સંજય દત્તને ચમકાવતી ‘રૉકી’ અને સાઉથના સ્ટાર કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીને ચમકાવતી ‘એક દૂજે કે લિએ’ પણ આવી હતી. આમ છતાં આ તમામ ફિલ્મોની ઉપર ‘ક્રાન્તિ’ રહી હતી. ‘ક્રાન્તિ’એ ૨૦ કરોડ, ‘નસીબે’ ૧૪.૫ કરોડ, જિતેન્દ્ર, હેમા માલિની અને પરવીન બાબીની ‘મેરી આવાઝ સુનો’એ ૧૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘લાવારિસે’ ૧૨ કરોડ અને ‘એક દૂજે કે લિએ’એ ૧૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘ક્રાન્તિ’માં માત્ર મનોજકુમારે ઍક્ટિંગ કરી હતી એટલું જ નહીં, તેઓ પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ હતા. મનોજકુમાર ઉપરાંત દિલીપકુમાર, હેમા માલિની, પરવીન બાબી, શત્રુઘન સિંહા જેવા કલાકારો આ ફિલ્મમાં હતા.
ADVERTISEMENT
ભારતની આઝાદીને લગતી સ્ટોરી ધરાવતી આ ફિલ્મની વાર્તા સલીમ-જાવેદે લખી હતી. ‘ઉપકાર’ અને ‘રોટી કપડા ઔર મકાન’ બાદ મનોજ કુમારની આ ત્રીજી સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ હતી.
આ ફિલ્મનો એટલો ક્રેઝ હતો કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ક્રાન્તિ ટી-શર્ટ, જૅકેટ વગેરે વેચાવા લાગ્યાં હતાં. આ ફિલ્મ થિયેટરોમાં ૬૭ અઠવાડિયાં ચાલી હતી અને સતત ૯૬ દિવસ સુધી એ હાઉસફુલ રહી હતી.
૧૯૮૧ની ફિલ્મ ‘ક્રાન્તિ’ બાદ મનોજકુમારે બનાવેલી ‘કલયુગ ઔર રામાયણ’ (૧૯૮૭), ‘સંતોષ’ (૧૯૮૯), ‘ક્લર્ક’ (૧૯૮૯) અને ‘દેશવાસી’ (૧૯૯૧) બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ નીવડી હતી. ૧૯૯૫માં ‘મૈદાન-એ-જંગ’માં કામ કર્યા બાદ તેમણે ઍક્ટિંગ કરવાનું છોડી દીધું હતું. ૧૯૯૯માં તેમણે પુત્ર કુણાલ ગોસ્વામીને લૉન્ચ કરવા માટે ‘જય હિન્દ’ ફિલ્મ બનાવી હતી પણ એ ફ્લૉપ ગઈ હતી.

