મનીષા કોઇરાલાએ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે જીવનની કેટલીક ભૂલોનો મને પસ્તાવો છે
મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાની ગણતરી બૉલીવુડની ટૅલન્ટેડ ઍક્ટ્રેસમાં થાય છે અને તેણે પોતાની પ્રતિભાથી એકથી એક ચડિયાતાં પાત્રો ભજવ્યાં છે. હાલમાં મનીષા ૫૪ વર્ષની થઈ ગઈ છે અને હવે તે પોતાની કરીઅરને નવી દૃષ્ટિથી મૂલવી શકે છે. મનીષાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની કરીઅર વિશે વાત કરતી વખતે જણાવ્યું હતું કે ‘હું અત્યારે જે રીતે સમજું છું એના પરથી મને લાગે છે કે કરીઅરની શરૂઆતમાં મળી ગયેલા સ્ટારડમે મને કંઈક અંશે ઘમંડી બનાવી દીધી હતી. મને લાગે છે કે જ્યારે સફળતા બહુ મહેનત કર્યા વિના ઝડપથી મળે છે ત્યારે માનસિકતામાં પરિવર્તન આવી જાય છે. વળી તમે જો અપરિપક્વ અને યુવાન હો તો મગજમાં થોડી રાઈ ભરાઈ જાય છે. એ સમયે તમને લાગે કે તમે આખી દુનિયામાં સૌથી મહત્ત્વના છો. એ સમયે મને પણ લાગ્યું હતું કે હું બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ છું. જોકે હું વાસ્તવમાં એવી નથી. જેમ-જેમ તમે પરિપક્વ થાઓ છો અને જીવન પસાર કરો છો એમ તમને આ વાતનો અહેસાસ થાય છે.’
આ ઇન્ટરવ્યુમાં મનીષાએ પોતાના દિલની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મેં કેટલીક ભૂલો કરી હતી જેનો મને આજે પસ્તાવો થાય છે, પરંતુ મને નથી લાગતું કે મેં કોઈ મોટી ભૂલ કરી હોય. મારો મતલબ એ છે કે જો મેં જીવનમાં કોઈ ભૂલ કરી હોય તો મેં એ મારા માટે કરી છે. મેં કોઈ બીજાને દુઃખ પહોંચાડવા માટે ઇરાદાપૂર્વક કંઈ નથી કર્યું, કારણ કે હું એક સંવેદનશીલ વ્યક્તિ છું અને મારા જીવનમાં એક મોટું પરિબળ મારાં મમ્મી-પપ્પા છે. જીવનમાં ભલે હું ગમે એટલી ઊંચાઈએ પહોંચું તો પણ તેઓ મારા પગ જમીન પર જ રહે એની કાળજી રાખે છે.’
ADVERTISEMENT
મનીષાએ ૧૯૯૧માં સુભાષ ઘઈની ફિલ્મ ‘સૌદાગર’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ડિવૉર્સ અને કૅન્સર સામેની લડાઈ પછી તેણે તાજેતરમાં OTT પર સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ-સિરીઝ ‘હીરામંડી’માં ડેબ્યુ કર્યું હતું.