સુભાષ ઘાઇએ બુલી કરીને મારી કારકિર્દી બગાડી હતી: મહિમા ચૌધરી
મહિમા ચૌધરી, સુભાષ ઘઇ
પ્રથમ ફિલ્મ 'પરદેસ'થી લોકોના દિલમાં રાજ કરનાર અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર સુભાષ ઘાઇ (Subhash Ghai) પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે અને કેટલાંક ખુલાસા પણ કર્યાં છે. અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે, સુભાષ ઘાઇએ મને બુલી કરીને મારી કારકિર્દીને નુકસાન પહોંચાડયું હતું. આ મુશ્કેલીના સમયે ઇન્ડસ્ટ્રીમાંથી ખાલી ચાર લોકો મારી સાથે ઊભા હતા. જેમાંથી એક હતો સલમાન ખાન (Salman Khan) અને બીજો હતો સંજય દત્ત (Sanjay Dutt). અભિનેત્રીના આક્ષેપ પછી ફિલ્મમેકરે ખુલાસો કરતાં કહ્યું છે કે, તે સમયે લોકોએ મહિમા ચૌધરીને મારી વિરુદ્ધ ભડકાવી હતી અને આથી જ તે નારાજ હતી. પરંતુ આજે અમે સારા મિત્રો છીએ.
મહિમા ચૌધરીએ 1997માં સુભાષ ઘાઇની સાથે ફિલ્મ 'પરદેસ'થી બૅલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મને સુભાષ ઘાઇએ બનાવી હતી. તાજેતરમાં બૉલીવુડ હંગામા સાથેની વાતચીતમાં મહિમા ચૌધરીએ કહ્યું છે કે, મને મિસ્ટર સુભાષ ઘાઇએ બુલી કરી હતી. તે મને કોર્ટ સુધી લઈ ગયા હતા અને તેઓ મારો પહેલો શો પણ કેન્સલ કરવા ઇચ્છા હતા. તે સમય ખૂબ જ તણાવપૂર્ણ હતો. તમામ પ્રોડ્યૂસરને તેમણે મેસેજ મોકલ્યો હતો કે મારી સાથે કોઈએ કામ ન કરવું જોઇએ. જો તમે 1998 અને 1999માં Trade Guide Magazineનો કોઈપણ ઈશ્યૂ લઈને જોશો તો તેમાં એડમાં આપ્યું છે કે જો કોઈને મારી સાથે કામ કરવું હોય તો પહેલા સુભાષ ઘાઇનો કોન્ટેક્ટ કરે નહીં તો તે કોન્ટ્રાક્ટનું ઉલ્લંધન કહેવાશે. પણ મેં તેવો કોઈ જ કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો. જેમાં લખ્યું હોય કે મારે તેમની પરવાનગી લેવાની હોય. આ સમયે ચાર બૉલીવુડ સેલેબ્રિટીએ મને સપોર્ટ કર્યો હતો. સલમાન ખાન, સંજય દત્ત, ડેવિડ ધવન અને રાજકુમાર સંતોષી. આ ચારેય મારી સાથે ઊભા હતા. ડેવિડ ધવને મને કહ્યું હતું કે, તું તેને બુલી નહીં થવા દે અને મજબૂત રહે. આ સિવાય મને કોઈનો કૉલ પણ નહતો આવ્યો.
ADVERTISEMENT
અભિનેત્રીના આ આક્ષેપ પછી સુભાષ ઘાઇએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું છે કે, આ તો રાત ગઈ, વાત ગઈ વાળી વાત છે. છતાં હું કહેવા માગીશ કે આજે હું અને મહિમા સારા મિત્રો છીએ. ‘પરદેસ’ બાદ પણ અમે એકબીજાને મળતા રહીએ છીએ અને કામની વાતો થાય છે. મહિમાએ મારી ફિલ્મ ‘કાંચી’માં કામ કર્યું હતું અને તે માટે એક રૂપિયો પણ લીધો નહોતો. જોકે, આજે તે જે વાતો કહી રહી છે તેનો સંદર્ભ મારી કંપની સાથે તેના કોન્ટ્રાક્ટ પર છે. ‘પરદેસ’ બાદ મહિમાએ મારી કંપની સાથે બીજી બે ફિલ્મ કરવાની હતી અને આવું અન્ય બેનરમાં પણ હોય છે કે જો તમે કોઈ ન્યૂ કમરને લૉન્ચ કરો તો તેની સાથે ત્રણ ફિલ્મની ડીલ હોય છે. કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે તે અન્ય બેનર સાથે કામ કરી શકે નહીં. આવું જ કંઈક મારી તથા મહિમાની વચ્ચે નક્કી થયું હતું. જોકે, કેટલાંક પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટે મહિમાને મારી વિરુદ્ધ ભડકાવી હતી અને અમારી વચ્ચે ગેરસમણ ઊભી કરી દીધી હતી. જોકે, આ વાત સાચી નહોતી. મહિમા તે સમયે નારાજ થઈ હતી તો મેં કોન્ટ્રાક્ટ પણ બદલી નાખ્યો હતો અને તેને કારણે તે બીજા બેનર સાથે કામ પણ કરી શકતી હતી. અમારી વચ્ચે આજે પણ મિત્રતા છે.

