વિજય સેતુપતિની આ તામિલ ફિલ્મે વિશ્વભરમાં વગાડ્યો ડંકો
વિજય સેતુપતિની ૧૪ જૂને રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘મહારાજા’
વિજય સેતુપતિની ૧૪ જૂને રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘મહારાજા’ લોકોને ખૂબ પસંદ પડી હતી. ૨૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વિજય સેતુપતિની આ પચાસમી ફિલ્મ છે. આ ફિલ્મ બાદમાં ૧૨ જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મની લોકપ્રિયતા ઑનલાઇન પર પણ કાયમ રહી. હવે એ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવામાં આવનારી ઇન્ડિયન ફિલ્મ બની ગઈ છે. વિજય સેતુપતિનો પર્ફોર્મન્સ પાવરફુલ છે. ફિલ્મમાં તેની સાથે અનુરાગ કશ્યપ પણ છે. આમિર ખાને તો આ ફિલ્મને હિન્દીમાં બનાવવાનો નિર્ણય લીધો છે અને તેણે એના માટે રાઇટ્સ પણ ખરીદી લીધા છે.
શું છે ‘મહારાજા’માં?
ADVERTISEMENT
વિજય સેતુપતિની તામિલ ફિલ્મ ‘મહારાજા’માં એ બધું જ છે જે એક ફિલ્મ માટે જરૂરી હોય. સ્ટોરી, ઍક્શન, થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મને શાનદાર બનાવે છે. સ્ટોરીની વાત કરીએ તો વિજય સેતુપતિ એક સૅલોંમાં કામ કરે છે. તેનું નામ મહારાજા છે. તેના ઘરમાં અચાનક ટ્રક ઘૂસી જાય છે અને તેની વાઇફનું અવસાન થાય છે. તેની દીકરી જ્યોતિનો જીવ બચી જાય છે, કેમ કે કચરાની ટોપલી તેના પર પડે છે. બાદમાં પિતા-પુત્રી આ ડસ્ટબિનને લક્ષ્મી નામ આપે છે. એક દિવસ આ લક્ષ્મી ગુમ થઈ જાય છે અને વિજય સેતુપતિ પોલીસ-સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરે છે. લક્ષ્મીને મહારાજા પોતાની દીકરી જેટલું જ મહત્ત્વ આપે છે. લક્ષ્મી ગુમ થઈ છે એવી ફરિયાદ કરીને મહારાજા તેની દીકરી સાથે થયેલા દુષ્કર્મમાં સામેલ આરોપીઓને શોધવા માગે છે. પોલીસને લક્ષ્મીને શોધવામાં કોઈ રસ નથી હોતો. તેઓ મહારાજા પાસે પાંચ લાખ રૂપિયાની લાંચ માગે છે. અનેક ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ સાથે ફિલ્મમાં વિજય સેતુપતિના અનેક અવતાર જોવા મળે છે. અનુરાગ કશ્યપ વિલનના રોલમાં છવાઈ ગયો છે. ફિલ્મના અંતમાં અનુરાગ કશ્યપને જાણ થાય છે કે જ્યોતિ ખરેખર તો તેની જ દીકરી છે. જ્યોતિ સાથે થયેલા ખરાબ વર્તનનું મહારાજા વેર વાળે છે. ઇમોશન્સ અને પિતા-પુત્રીના બૉન્ડિંગને દેખાડતી આ ફિલ્મ એક વખત અચૂક જોવા જેવી છે.