આ પુરુષોએ તેમના ફોન પર કૅટરિનાનો વિડિયો રેકૉર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો
કૅટરિના કૈફ
હાલમાં ઍક્ટ્રેસ કૅટરિના કૈફ મહાકુંભ મેળામાં સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા પહોંચી હતી. આ સ્નાન દરમ્યાન કેટલાક લોકોએ તેને ઘેરી લીધી હતી. આ ઘટનાનો એક ચોંકાવનારો ડ્રોન વિડિયો વાઇરલ થયો છે જેમાં અનેક લોકો પોતાના ફોન સાથે કૅટરિનાની નજીક જવા ધક્કામુક્કી કરતા જોવા મળે છે. આ વિડિયો જોઈને ઘણા નેટિઝન્સે કૅટરિનાને ઘેરી લેનાર લોકોની આકરી ટીકા કરી છે.
કૅટરિનાએ મહાકુંભમાં પોતાનાં સાસુ વીણા કૌશલ સાથે પૂજા કરી રહી હતી. એ સમયે પંડિતો અને સાધુઓના માર્ગદર્શન હેઠળ તેણે મંત્રોચ્ચાર કર્યા અને ત્યાર બાદ તેણે પવિત્ર જળમાં ડૂબકી લગાવી અને દૈવી આશીર્વાદ મેળવ્યા. આ પૂજાવિધિ દરમ્યાન મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા આવેલા સેંકડો અર્ધનગ્ન પુરુષોએ તેને ઘેરી લીધી હતી. આ પુરુષોએ તેમના ફોન પર કૅટરિનાનો વિડિયો રેકૉર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
આ સમયે સુરક્ષા અધિકારીઓની ટીમે ભીડને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કૅટરિનાએ આસપાસના હોબાળા તરફ ધ્યાન આપ્યું નહીં અને શાંતિ જાળવી રાખી વિધિ કરવાનું ચાલુ રાખ્યું હતું. મહાકુંભના ત્રિવેણી સંગમમાં કૅટરિનાએ પવિત્ર સ્નાન કરીને પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતી દ્વારા આયોજિત ભજનસંધ્યામાં હાજરી આપી હતી.
પરિણીતિ ચોપડાએ કર્યાં કાશી વિશ્વનાથનાં દર્શન
પરિણીતી ચોપડા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા પરિવાર સાથે મહાશિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અને પૂજા માટે પહોંચ્યાં હતાં. આ મુલાકાત પછી આમ આદમી પાર્ટીના નેતા રાઘવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શૅર કરી. પહેલી તસવીરમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા મંદિર સામે દેખાય છે, જ્યારે બીજી તસવીરમાં આખો પરિવાર નજરે પડે છે. આ તસવીરો સાથે રાઘવે લખ્યું, ‘જય શ્રી બાબા વિશ્વનાથ, હર હર મહાદેવ. તમામ દેશવાસીઓને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.’

