ચાર સ્ટોરીમાંથી ફક્ત કોંકણા સેન શર્માની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં ફક્ત સેક્સની વાત કરવામાં આવી છે, પરંતુ એ પણ કરવા પૂરતી કરી હોય એવું લાગે છે : દાદી અચાનક સેક્સની વાત કરે અને વિજય વર્માની સ્ટોરી પણ થોડી માનવામાં આવે એવી નથી
Review
લસ્ટ સ્ટોરીઝ 2 રિવ્યુ : તીન પે એક ભારી
ફિલ્મ: લસ્ટ સ્ટોરીઝ 2
કાસ્ટ: મૃણાલ ઠાકુર, અંગદ બેદી, નીના ગુપ્તા, તિલોત્તમા શોમ, અમૃતા સુભાષ, તમન્ના ભાટિયા, વિજય વર્મા, કુમુદ મિશ્રા, કાજોલ, અનુષ્કા કૌશિક
ADVERTISEMENT
ડિરેક્ટર: આર. બાલ્કી, કોંકણા સેન શર્મા, સુજૉય ઘોષ, અમિત શર્મા
રિવ્યુ: ૨ (ઠીક-ઠીક)
૨૦૧૮માં બૉલીવુડને ‘લસ્ટ સ્ટોરીઝ’ દ્વારા કિયારા અડવાણી મળી હતી. એટલે કે આ ફિલ્મ બાદ તે ખૂબ જ લોકપ્રિય બની હતી અને તેની કરીઅરની નવી શરૂઆત થઈ હતી. આ ફિલ્મનાં પાંચ વર્ષ બાદ હવે ફરી એની સીક્વલ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ આવી છે. ચાર સ્ટોરીઝની ઍન્થોલૉજી ફિલ્મ હાલમાં નેટ્ફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મની ચાર સ્ટોરીને આર. બાલ્કી, કોંકણા શેન શર્મા, સુજૉય ઘોષ અને અમિત શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
આર. બાલ્કી – મેડ ફૉર ઇચ અધર
આર. બાલ્કી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી સ્ટોરીમાં મૃણાલ ઠાકુર, અંગદ બેદી અને નીના ગુપ્તાએ કામ કર્યું છે. આ સિવાય પણ ઘણાં પાત્ર છે, પરંતુ સ્ટોરી આ ત્રણ પાત્રની આસપાસ વધુ ફરે છે. આ ફિલ્મમાં અરેન્જ્ડ મૅરેજની વાત કરવામાં આવી છે, પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ છે. મૃણાલ ઠાકુર અને અંગદ બેદીના પેરન્ટ્સ ફ્રેન્ડ્સ હોય છે અને તેઓ હવે સંબંધી બનવા જઈ રહ્યા હોય છે. જોકે મૃણાલની દાદી એટલે કે નીના ગુપ્તા એક પછી એક બૉમ્બ ફોડે છે. તે નવી કાર લે એ પહેલાં એની ટેસ્ટ ડ્રાઇવ લે છે એ જ રીતે લગ્ન પહેલાં કપલ સેક્સ્યુઅલી કમ્પેટિબલ છે કે નહીં એ ચેક કરવા માટે કહે છે. એના પર આખી ફિલ્મ છે. આર. બાલ્કીની આ સ્ટોરી થોડી માનવામાં ન આવે એવી છે. આજની જનરેશનને આ વિશે જ્ઞાન આપવાની જરૂર હોય એવું લાગતું નથી. તેમ જ જો આપવું પણ પડે તો પણ એ એવી વ્યક્તિ દ્વારા આપવામાં આવે છે જેની ઉંમર ૭૦ વર્ષથી વધુ હોય છે. તેમના ઘરમાં આજ સુધી સેક્સ વિશે વાત કરવામાં નથી આવતી, પરંતુ છોકરાવાળા જ્યારે જોવા આવ્યા હોય છે ત્યારે દાદી બધાની સામે સેક્સની ખુલ્લેઆમ વાત કરે છે. આ વાત થોડી અજીબ લાગે છે. જોકે આર. બાલ્કીએ એમાં હ્યુમરનો સમાવેશ કર્યો હોવાથી એ જોવી થોડી ગમે એવી છે. મૃણાલ ઠાકુરનું પાત્ર સારું હતું, પરંતુ તેની ડાયલૉગ ડિલિવરીમાં થોડી તકલીફ દેખાઈ આવે છે. અંગદ બેદી પાસે નામ પૂરતું જ કામ છે. તેની પાસે સ્ક્રીન ટાઇમ અને ડાયલૉગ હોવા જોઈતાં હતાં.
કોંકણા સેન શર્મા – ધ મિરર
આર. બાલ્કીની સ્ટોરી બાદ કોંકણા સેન શર્માની સ્ટોરી આવે છે. આ સ્ટોરીને સંપૂર્ણ રીતે મહિલાના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવામાં આવી છે. તેમ જ આ સ્ટોરીમાં સેક્સ અને મહિલાના સેક્સ્યુઅલ પ્રેફરન્સ અને તેની ફૅન્ટસી વિશે વાત કરવામાં આવી છે. આ તમામની વચ્ચે સૌથી ઇન્ટરેસ્ટિંગ પૉઇન્ટ એ છે કે આ સ્ટોરી બે એકદમ અલગ ક્લાસ વચ્ચે કરવામાં આવી છે. વર્કિંગ ક્લાસ અને ગરીબ લોકોની વચ્ચેની આ સ્ટોરી. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર તિલોત્તમા શોમ અને અમૃતા સુભાષ છે. તિલોત્તમા વર્કિંગ પ્રોફેશનલ હોય છે અને તે એકલી રહેતી હોય છે. અમૃતા તેના ઘરનું કામ કરતી હોય છે. જોકે તિલોત્તમા જ્યારે ઑફિસમાં જાય ત્યારે અમૃતા તેના ઘરે એક વ્યક્તિને બોલાવતી હોય છે અને સેક્સ કરતી હોય છે. આ બન્નેને સેક્સ કરતાં તિલોત્તમા જોઈ જાય છે. ત્યાર બાદ શું થાય છે એના પર સ્ટોરી છે. પહેલા પાર્ટમાં ભૂમિ પેડણેકરે આ પાત્ર ભજવ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં અમૃતાએ આ પાત્ર ભજવ્યું છે. તે તેના પર્ફોર્મન્સ દ્વારા ઘણી વસ્તુ ટેબલ પર લઈને આવી છે. અમૃતા અને ભૂમિના પાત્રમાં આસમાન-જમીનનો ફરક છે. અમૃતા એકદમ બિન્દાસ અને એમ છતાં તેની લિમિટમાં રહેતી અને પોતાને શું જોઈએ છે એ માટે અવાજ ઉઠાવતી જોવા મળી છે. તિલોત્તમાએ પણ તેના પાત્રને ખૂબ જ જોરદાર ભજવ્યું છે. બન્ને એક-એકથી ચડિયાતાં છે અને કોણ સારું પર્ફોર્મર છે એ નક્કી કરવું મુશ્કેલ છે. તેમ જ કોંકણાનો પ્લસ પૉઇન્ટ એ છે કે તેણે બે ક્લાસ વચ્ચેની વાત કરી હોવા છતાં સેક્સની વાત આવે ત્યારે તેમને કોઈ ક્લાસ, કોઈ ગરીબી, કોઈ ધર્મ કે કોઈ પણ ઊંચનીચ નથી દેખાતાં. ડાયલૉગ પણ એવા જ લખવામાં આવ્યા છે કે તેમને શું જોઈએ છે અને શું ખોટું છે અને પોતાને કેવી રીતે પરિસ્થિતિમાંથી બહાર કાઢવી એની આસપાસ લખવામાં આવ્યા છે.
સુજૉય ઘોષ – સેક્સ વિથ એક્સ
કિયારા અડવાણી કરતાં પણ સુજૉય ઘોષની આ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં રહી હતી. એનું કારણ તમન્ના ભાટિયા અને વિજય વર્માનાં રિલેશન છે. આ સાથે જ તમન્નાએ તેની નો કિસ પૉલિસી તોડી હોવાથી એ પણ ચર્ચાનો વિષય બન્યું હતું. સુજૉય ઘોષની આ સ્ટોરી શરૂ થાય ત્યારે એ થોડી કાર્ટૂનિસ્ટ લાગે છે. અલગ દુનિયા અને કલર ગ્રેડિંગમાં પણ વધુપડતો કલરનો ઉપયોગ કરવો. તેમ જ ઘર ઘર નહીં, પરંતુ એક પ્રૉપર સેટ દેખાય છે. વિજય વર્માને વુમનાઇઝર દેખાડવામાં આવ્યો છે. તે કારમાં જતો હોય છે ત્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ ચૅટ કરતો હોય છે. તે એક કંપનીનો સીઈઓ હોય છે. આથી વિડિયો સેક્સ ચૅટની વચ્ચે પણ તેણે ફોન કૉલ રિસીવ કરવા પડે છે. એ દરમ્યાન તેની પત્નીનો કૉલ આવે છે. એ કૉલ પૂરો થતાં તેનો ઍક્સિડન્ટ થાય છે. ઍક્સિડન્ટ થતાં તે કાર રિપેર માટે એક ગામમાં પહોંચે છે. ત્યાં તેને તેની એક્સ-વાઇફ તમન્ના મળે છે. તેમની વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી છે, પરંતુ સ્ટોરી એટલી જ કમજોર છે. સુજૉય ઘોષની દુનિયા એકદમ અજબ છે અને એ કેટલી અજબ છે એ તેની સ્ટોરી પૂરી થાય છે ત્યારે ખબર પડે છે. વિજય વર્માએ ખૂબ જ સારું કામ કર્યું છે. તમન્નાએ પણ તેના પાત્રને સારી રીતે ભજવ્યું છે, પરંતુ તેમનો પ્લૉટ ખૂબ જ કમજોર છે. આ ચારેય સ્ટોરીમાં આ સ્ટોરી ખૂબ જ કમજોર છે.
અમિત શર્મા - તિલચટ્ટા
અમિત શર્માની સ્ટોરી રૉયલ ખાનદાનમાંથી હોય છે. રાજાશાહી જેમ-જેમ દૂર થઈ રહી છે તેમ તેમ રાજાશાહી ખાનદાનના સભ્યોને ભોગવિલાસ દૂર થતો જોવા મળી રહ્યો છે. આ જ સ્ટોરીને દેખાડવામાં આવી છે, પરંતુ એમાં સેક્સના ઍન્ગલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુમુદ મિશ્રા, કાજોલ અને અનુષ્કા કૌશિકે એમાં કામ કર્યું છે. કુમુદ મિશ્રા એક કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે વલખાં મારી રહ્યા હોય છે અને તે ધીમે-ધીમે તેની પ્રૉપર્ટી ગિરવી મૂકી રહ્યો હોય છે. જોકે આ તમામની વચ્ચે તે મહિલાઓને એક ઑબ્જેક્ટની રીતે જોતો હોય છે. તેના માટે મહિલા ફક્ત સેક્સ માટે હોય છે. તે કોઈ પણ મહિલા સાથે જબરદસ્તી કરતો હોય છે અને તેમની સાથે ગંદી રીતે વાત કરતો હોય છે. તે કોઈ પણ મહિલા સાથે વાત કરે તો તે તેની આંખોથી તેનાં કપડાં ઉતારતો હોય એ જોઈ શકાય છે. કુમુદ મિશ્રાએ આ પાત્રને ખૂબ જ જોરદાર રીતે ભજવ્યું છે. કાજોલ તેના અબ્યુઝિવ બિહેવિયરની વિક્ટિમ હોય છે. જોકે કુમુદ મિશ્રાના વર્તનથી તે કંટાળી ગઈ હોય છે અને તેના દીકરાને તે ઇંગ્લૅન્ડ ભણવા મોકલવા માગતી હોય છે. આ તમામની વચ્ચે કુમુદ મિશ્રા તેના ઘરમાં કામ કરતી મહિલા સાથે જબરદસ્તી કરે છે અને તે એક દિવસ કંટાળીને નોકરી છોડીને જતી રહે છે. આ દરમ્યાન તેના ઘરે એક નાની ઉંમરની છોકરી કામ માટે આવે છે. તેના પર પણ કુમુદ મિશ્રા નજર બગાડે છે. જોકે આ આ સ્ટોરીનો ક્લાઇમૅક્સ માસ્ટરપીસ છે. આ ચાર સ્ટોરીમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ કોંકણા સેન શર્માની છે, પરંતુ ફક્ત ક્લાઇમૅક્સની વાત કરીએ તો અમિત શર્માની સ્ટોરી બાજી મારી જાય છે. કાજોલ પાસે ખાસ કામ નથી, પરંતુ એમ છતાં તેની પાસે જેટલું કામ આવ્યું છે તેણે સારી રીતે ભજવ્યું છે. કુમુદ મિશ્રા આ સ્ટોરીમાં બાજી મારી ગયા છે. તેમના કારણે આ ડાર્ક સબ્જેક્ટ પણ જોવાની મજા આવે છે.
આખરી સલામ
આ ફિલ્મનું નામ ભલે ‘લસ્ટ સ્ટોરીઝ 2’ હોય, પરંતુ એમ છતાં એમાં લસ્ટને કોસો દૂર રાખવામાં આવ્યું છે. કોંકણા સેન શર્માની સ્ટોરી સિવાય ફિલ્મમાં ભાગ્યે જ કોઈ સેક્સ સીનને દેખાડવામાં આવ્યા છે.