તેઓ પ્રિયા રાજવંશના જીવન પર આધારિત ‘પ્રિયા ઇન્ટરપ્ટેડ’નું શૂટિંગ આ વર્ષે શરૂ કરવાના હતા
પ્રદીપ સરકાર
ડિરેક્ટર પ્રદીપ સરકારના શુક્રવારે નિધન બાદ તેમનો ‘ડ્રીમ પ્રોજેક્ટ’ અધૂરો રહી ગયો છે. તેઓ પ્રિયા રાજવંશના જીવન પર આધારિત ‘પ્રિયા ઇન્ટરપ્ટેડ’નું શૂટિંગ આ વર્ષે શરૂ કરવાના હતા. દેવ આનંદના ભાઈ ફિલ્મમેકર ચેતન આનંદ સાથે પ્રિયા રાજવંશના સંબંધો હતા. તેમની મોટા ભાગની ફિલ્મોમાં પ્રિયાએ કામ કર્યું હતું. ૨૦૦૦ની ૨૭ માર્ચે પ્રિયા રાજવંશની હત્યા ચેતન આનંદના દીકરા કેતન અને વિવેકે કરી હતી. તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. ચેતન આનંદના જુહુના સી-ફેસિંગ રુઈયા પાર્ક બંગલાને લઈને વિવાદ થતાં પ્રિયા રાજવંશની હત્યા થઈ હતી. એ બંગલામાં પ્રિયા રાજવંશ અને ચેતન આનંદ રહેતાં હતાં. આ બધી ઘટનાઓને એક ફિલ્મનું રૂપ આપવાની તૈયારીમાં હતા પ્રદીપ સરકાર. તેમણે સ્ટોરી, સેટ-ડિઝાઇન અને કૉસ્ચ્યુમ્સ પર પણ કામ કરી રાખ્યું હતું. આ વર્ષે શૂટિંગ શરૂ થવાનું હતું, પણ હવે તેમનું સપનું અધૂરું રહી ગયું છે.

