ભારતીય નૌસેનાના શૌર્યને દેખાડતી ફિલ્મ ઑપરેશન ટ્રાઇડન્ટ બનાવશે ફરહાન , ડ્રેસિંગ-સેન્સને લઈને ટ્રોલ થઈ રશ્મિ દેસાઈ અને વધુ સમાચાર
પ્રીતિ ઝિન્ટાની તસવીર
પ્રીતિ ઝિન્ટા લગભગ છ વર્ષ બાદ કમબૅક કરી રહી છે. તેણે સની દેઓલ સાથેની ‘લાહોર 1947’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરે છે. આમિર ખાન ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. પ્રીતિ અને સનીએ અગાઉ ‘હીરો : લવ સ્ટોરી ઑફ અ સ્પાય’, ‘ફર્ઝ’ અને ‘ભૈયાજી સુપરહિટ’માં કામ કર્યું છે. ‘લાહોર 1947’માં શબાના આઝમી પણ જોવા મળશે. ફિલ્મના સેટ પરનો ફોટો પ્રીતિએ શૅર કર્યા છે. એમાં ક્લૅપબોર્ડની સાથે ફોન સેટ પર લાવવાની પરવાનગી નથી એવું પણ લખેલું દેખાય છે. પ્રીતિએ રાજકુમાર સંતોષી સાથેનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.
ભારતીય નૌસેનાના શૌર્યને દેખાડતી ફિલ્મ ઑપરેશન ટ્રાઇડન્ટ બનાવશે ફરહાન
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે આગામી ફિલ્મ ‘ઑપરેશન ટ્રાઇડન્ટ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ભારતીય નૌસેનાના અતુલનીય સાહસ પર પ્રકાશ પાડશે. આ ફિલ્મના ટાઇટલની જાહેરાત નવી દિલ્હીના નૌસેના ભવનમાં કરવામાં આવી હતી. એ દરમ્યાન નેવીના અનેક ઑફિસર્સની સાથે ફિલ્મના પ્રોડ્યુસર્સ પણ હાજર હતા. ફિલ્મમાં ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધની સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મ દ્વારા ઇતિહાસની પણ ઝલક દેખાડવામાં આવશે. ફિલ્મ આવનારી પેઢીને પ્રેરિત કરશે.
હેવી સિક્યૉરિટી વચ્ચે સલમાન
સલમાન ખાને ગઈ કાલે રાતે મુંબઈમાં યોજાયેલી સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. તેની સાથે ઘણી સિક્યૉરિટી હતી.
ડ્રેસિંગ-સેન્સને લઈને ટ્રોલ થઈ રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈને હાલમાં જ તેની ડ્રેસિંગ-સેન્સને લઈને ટ્રોલ કરવામાં આવી છે. રશ્મિએ હાલમાં જ આરતી સિંહની સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. આરતી તેના બૉયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે આજે લગ્ન કરવાની છે. મંગળવારે રાતે યોજાયેલી આ ઇવેન્ટમાં તેણે લેહંગા પહેર્યો હતો. આ ડ્રેસમાં તેને ચાલવાની પણ તકલીફ પડી રહી હતી. તે સતત એને પકડીને ચાલી રહી હતી અને બેબી સ્ટેપ ભરતી જોવા મળી હતી. તેના બ્લાઉઝને લઈને પણ કમેન્ટ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર તેને કહેવામાં આવી રહ્યું છે કે કમ્ફર્ટેબલ ન હોય તો એવાં કપડાં પહેરવાની શું જરૂર છે.
લતાજીને નમન: લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડ સ્વીકારતાં બિગ બી અને અભિષેકે તેમને હાથ જોડીને પ્રણામ કર્યાં
અમિતાભ બચ્ચને ગઈ કાલે લતા દીનાનાથ મંગેશકર અવૉર્ડ સ્વીકારતાં પહેલાં લતાજીને નમન કર્યું હતું. આ ફંક્શનનું આયોજન ગઈ કાલે વિલે પાર્લેમાં આવેલા દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં કરવામાં આવ્યું હતું જેમાં બિગ બીની સાથે અભિષેક બચ્ચને પણ હાજરી આપી હતી. અભિષેક બચ્ચને પણ લતાજીના ફોટોને નમન કર્યું હતું. અમિતાભ બચ્ચનની સાથે એ. આર. રહમાનને માસ્ટર દીનાનાથ મંગેશકર અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

