સ્ટોરી અને ડાયલૉગ પર પણ ખૂબ જ મહેનત કરવામાં આવી છે અને એટલી જ મહેનત ઍક્ટર્સે તેમના પર્ફોર્મન્સમાં કરી છે જેથી સ્ટોરીને સ્ક્રીન પર સારી રીતે રજૂ કરી શકાઈ છે
ફિલ્મનું પોસ્ટર
લાપતા લેડીઝ
રિવ્યુ : સાડા ત્રણ સ્ટાર (ટાઇમ પાસ સાથે પૈસા વસૂલ)
ADVERTISEMENT
કાસ્ટ : રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ, નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા, છાયા કદમ
ડિરેક્ટર : કિરણ રાવ
આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ‘લાપતા લેડીઝ’ને તેની એક્સ-વાઇફ કિરણ રાવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કિરણે છેલ્લે ૧૩ વર્ષ પહેલાં ‘ધોબી ઘાટ’ને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ આમિર પાસે આવી હતી અને તેણે કિરણને એ ડિરેક્ટ કરવા આપી હતી. આ ફિલ્મમાં આમિરને કામ પણ કરવું હતું, પરંતુ તેને કિરણે ના પાડી હતી.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મની સ્ટોરી એક કાલ્પનિક જગ્યાની છે. ૨૦૦૧માં સેટ થયેલી આ સ્ટોરી નિર્મલ પ્રદેશની છે જ્યાં બે નવી દુલ્હન બદલાઈ જાય છે. આ નિર્મલ પ્રદેશનો રિવાજ હોય છે કે મહિલાઓ પછી એ પત્ની, ભાભી કે મમ્મી કેમ ન હોય; તેમણે ઘૂંઘટ રાખવાનો હોય છે. આ ઘૂંઘટ પણ તેમણે આખો ચહેરો ઢંકાઈ જાય ત્યાં સુધીનો રાખવાનો હોય છે. એક નવું કપલ રાતના ટ્રેનમાં તેમના ઘરે જઈ રહ્યું હોય છે. દીપકનું પાત્ર ભજવનાર સ્પર્શ શ્રીવાસ્તવ તેની પત્ની ફૂલકુમારી એટલે કે નિતાંશી ગોયલને હાથ પકડીને ઉઠાડે છે અને સ્ટેશન પરથી ઊતરીને તેઓ ઘરે જાય છે. ત્યાં જઈને ખબર પડે છે કે ફૂલની જગ્યાએ અન્ય મહિલા આવી ગઈ છે. આ મહિલા પોતાને પુષ્પા કહે છે, જે પાત્ર પ્રતિભા રાંટાએ ભજવ્યું છે. પુષ્પાને એવું થાય છે કે તેનો પતિ તેને જગાડીને લઈ ગયો છે. ફૂલ પણ એક અલગ જ સ્ટેશન પર ઊતરે છે અને તેને ખબર પડે છે કે તે ખોવાઈ ગઈ છે. તે જે સ્ટેશન પર ઊતરે છે ત્યાં કામ કરતી મંજુમાઈ એટલે કે છાયા કદમ તેને આશરો આપે છે. મંજુમાઈ તેને સમજાવે છે કે તેનો પતિ તેને શોધતો આવશે. ફૂલને એ પણ નથી ખબર કે તેના પતિના ગામનું નામ શું છે, એટલી ખબર હોય છે કે એ કોઈ ફૂલના નામ પરથી છે. બીજી તરફ પુષ્પાને પણ તેના પતિના ઍડ્રેસ વિશે ખબર નથી હોતી. તેઓ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવે છે કે દુલ્હન ખોવાઈ ગઈ છે. આ પોલીસ-ઑફિસર મનોહરનું પાત્ર રવિ કિશને ભજવ્યું છે. ત્યાર બાદ દુલ્હનને કેવી રીતે શોધવામાં આવે છે એના પર સ્ટોરી છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી બિપ્લવ ગોસ્વામીએ લખી છે. તેમ જ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ સ્નેહા દેસાઈએ લખ્યા છે. ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે. દુલ્હનની અદલાબદલીની આસપાસ સ્ટોરી ફરે છે. જોકે આ સ્ટોરીને ખૂબ જ એક્સ્ટ્રા-ઑર્ડિનરી રીતે લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણા મેસેજ આપવામાં આવ્યા છે, પરંતુ એમ છતાં અત્યારની બૉલીવુડની ફિલ્મોમાં દેશભક્તિ અને એકતાના જે લાઉડ મેસેજ આપવામાં આવે છે એવું જરા પણ નથી. ફિલ્મમાં ઘણા મેસેજ હોવા છતાં એને સોશ્યલ કૉઝ આધારિત ફિલ્મ બનાવવામાં નથી આવી. આ એકદમ લાઇટ ફિલ્મ છે અને એમાં હ્યુમર પણ ભરપૂર છે. સ્નેહાના ડાયલૉગ ખૂબ જ અસરકારક છે અને એ ઘણું મનોરંજન પૂરું પાડે છે. આ સ્ક્રીનપ્લેને કિરણે એટલી જ સારી રીતે સ્ક્રીન પર રજૂ પણ કર્યો છે. કિરણના ડિરેક્શનમાં કોઈ ફોર્સ્ડ દૃશ્ય કે કોઈ ફોર્સ્ડ મેસેજ નથી દેખાતા. મહિલાના એજ્યુકેશનની વાત પણ મહિલા નિઃસહાય પરિસ્થિતમાં મુકાય ત્યારે તેને એનો એહસાસ થાય છે એ દ્વારા કરવામાં આવી છે. તેમ જ મહિલાઓએ ઘૂંઘટમાં રહેવું પડે છે અને તેમને તેમના પતિનું નામ પણ લેવા દેવામાં નથી આવતું અને ઘણી મહિલાઓને ખબર પણ નથી હોતી એ વિશે મેસેજ આપવામાં આવ્યો છે. મહિલા તેના ઘરના વડીલ સામે પૂરા ઘૂંઘટમાં હોય છે અને તેના દિયર અથવા તો ભત્રીજા સામે તે અડધા ઘૂંઘટમાં રહી શકે છે. આ પ્રકારના ઘણા મેસેજ બોલવામાં નથી આવ્યા, પરંતુ એને દેખાડીને કિરણે સોસાયટી વિશે ઘણી વાતો કહી છે. પુષ્પાનું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે તો ક્લાઇમૅક્સમાં દીપકને સારી લાઇન્સ મળી છે.
પર્ફોર્મન્સ
આ ફિલ્મમાં જો કોઈ જાણીતું નામ હોય તો એ રવિ કિશન છે. આ ફિલ્મમાં સ્પર્શ, નિતાંશી અને પ્રતિભા ત્રણેય નવોદિતો છે. જોકે તેમની ઍક્ટિંગને જોઈને લાગતું નથી કે આ કોઈ નવોદિતનું કામ છે. રવિ કિશન જ્યારે-જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે દિલ બાગ-બાગ કરી જાય છે. તે કરપ્ટ અને કપટી માણસ હોય છે પરંતુ મહિલાઓ પર તેની નજર ક્યારેય ખરાબ નથી હોતી. તેના ડાયલૉગ અને તેની ઍક્ટિંગ ખરેખર મનોરંજન ઊભું કરે છે. પ્રતિભાએ તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે ટીવીમાંથી આવી છે. તેનું પુષ્પાનું પાત્ર થોડું હોશિયાર હતું અને પોતાને શું જોઈએ છે એ માટે પોતાનો રસ્તો બનાવી દે છે અને એને તેણે ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર દેખાડ્યું છે. નિતાંશીએ પણ સારું કામ કર્યું છે પરંતુ પ્રતિભા પોતાના તરફ લોકોનું અટેન્શન ખેંચવામાં સફળ રહી છે. નિતાંશીએ ફૂલના ઇનોસન્સને ખૂબ જ સહજતાથી દેખાડ્યું છે. તેમ જ તેના પર જ્યારે મુસીબત આવી ત્યારે તેને સમજાયું કે એજ્યુકેશન કેટલું જરૂરી છે અને એને સ્ક્રીન પર તેણે ખૂબ જ સારી રીતે ટ્રાન્સલેટ કર્યું છે. સ્પર્શે તેના પાત્રને ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. તેના પાત્રનું દર્દ અને સોસાયટી દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા છે એ દરેકને તેણે સારી રીતે દેખાડ્યું છે. છાયા કદમ હવે મમ્મી જેવા પાત્રમાં ટાઇપકાસ્ટ થઈ રહી છે. તેને સારાં પાત્ર ઑફર કરવામાં આવે એ જરૂરી છે.
મ્યુઝિક
આ ફિલ્મનું મ્યુઝિક રામ સંપતે આપ્યું છે. રામ સંપતે ‘દેહલી બેલી’ અને ‘સત્યમેવ જયતે’ શોમાં મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મનાં તમામ ગીત તેણે કમ્પોઝ કર્યાં છે અને શ્રેયા ઘોષાલનું ‘ધીમે ધીમે’ તેમ જ સુખવિન્દરનું ‘ડાઉટ્વા’ સારાં છે. સોના મોહપાત્રા પણ ઘણા સમય બાદ જોવા મળી છે અને અરિજિત સિંહનું ‘સજની’ ઓકે-ઓકે છે.
આખરી સલામ
આ એક ફુલ્લી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે અને એ પણ કોઈ પણ જાતની હો-હા વગરની. આ સિમ્પલ સ્ટોરીને કિરણે ખૂબ જ સરળ રીતે રજૂ કરી છે. એક સારી સ્ટોરીને સારા ડિરેક્શન અને એમાં પણ સારી ઍક્ટિંગવાળી ફિલ્મ જોવા માટે આ જરૂર જોઈ શકાય છે.