પંકજ ત્રિપાઠી સાથે કામ કરવું ખૂબ સરળ છે: કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારી, પંકજ ત્રિપાઠી
કીર્તિ કુલ્હારીએ જણાવ્યું છે કે પંકજ ત્રિપાઠી સાથે કામ કરવું સહેલું છે. આ બન્નેએ વેબ-સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’માં સાથે કામ કર્યું છે. આ વેબ-સિરીઝ ડિઝની+હૉટસ્ટાર VIP પર 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. પંકજ ત્રિપાઠીએ એમાં વકીલનો રોલ કર્યો છે અને કીર્તિ પર મર્ડરનો આરોપ હોય છે. પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘મારા મોટા ભાગના સીન્સ પંકજ ત્રિપાઠી સાથે છે. તેઓ ખૂબ જ સાદા છે અને તેમની સાથે કામ કરવું અને તેમની સાથે સમય પસાર કરવો ખૂબ સહેલું છે. તેઓ પોતાનું કામ કરતા અને હું મારું કામ કરતી હતી. એ બધું ખૂબ સહજતાથી થતું હતું. આ સિરીઝમાં કામ કરતી વખતે એવા અનેક સારા કલાકારો પણ મારી આસપાસ હતા અને એ મારા માટે મોટી વાત હતી. મને દીપ્તિ નવલ મૅમ, જિશુ સેનગુપ્તા, આશિષ વિદ્યાર્થી, શિલ્પા શુક્લા, અનુપ્રિયા ગોએન્કા, ખુશ્બૂ અત્રે, કલ્યાણી મુળે, મિશ્ટી સિંહા અને પૂરી ટીમ સાથે કામ કરવાની ખુશી છે.’
પોતાના રોલ વિશે કીર્તિએ કહ્યું હતું કે ‘મને જ્યારે ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ ઑફર કરવામાં આવી હતી ત્યારે હું જાણતી હતી કે આ રોલ ખૂબ ગંભીર રહેવાનો છે. મારે માત્ર મારા પાત્ર માટે જ તૈયારી નહોતી કરવાની પરંતુ કીર્તિને એ કૅરૅક્ટરની અંદર ઊંડાણમાં ઉતારવાની હતી.’

