ખતરો કે ખિલાડીની સ્પેશ્યલ એડિશન મેડ ઇન ઇન્ડિયા
રોહિત શેટ્ટી
દેશને આત્મનિર્ભર બનાવવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે રોહિત શેટ્ટી પણ તેના શોને દેશી બનાવી રહ્યો છે. કલર્સ પર આવતો શો ‘ખતરોં કે ખિલાડી’ને અત્યાર સુધી વિદેશમાં યોજવામાં આવતો હતો. જોકે હવે આ શોને પણ ઇન્ડિયામાં બનાવવામાં આવશે અને એ પણ મુંબઈમાં. આ નવી સીઝન પહેલી ઑગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ શોને પહેલી વાર ઇન્ડિયામાં શૂટ કરવાની સાથે એમાં ઇન્ડિયન ક્રૂનો સમાવેશ પણ કરવામાં આવશે. આ શોનો હોસ્ટ રોહિત શેટ્ટી છે, પરંતુ પહેલા બે એપિસોડને હોસ્ટ ફારાહ ખાન કરશે. રોહિત હાલમાં હૈબરાદાબમાં તેની ફિલ્મના કામ માટે હોવાથી બે એપિસોડ ફારાહ ખાનને સોંપવામાં આવ્યા છે. આ શોમાં જૂની સીઝનના ખિલાડીઓને બોલાવવામાં આવશે. આ શોના તમામ સ્ટન્ટને રોહિત શેટ્ટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે અને એમાં બૉલીવુડનો તડકો લગાડવામાં આવશે. આ તમામ સ્ટન્ટ ઇન્ડોર હશે. આ શોમાં અલી ગોની, જાસ્મિન ભસિન, નિયા શર્મા, કરણ વાહી, રુત્વિક ધનજાણી, કરણ પટેલ, જય ભાનુશાલી અને હર્ષ લિંબાચિયા જોવા મળશે.

