‘કટહલ’ની સ્ટોરી એકદમ સિમ્પલ હોવા છતાં સોશ્યલ મેસેજને વ્યંગ્યાત્મક રીતે આપવાની કોશિશ કરવામાં આવી છે : ડાયલૉગમાં વધુ વ્યંગ અને સ્ટોરીને વધુ ક્રિસ્પી બનાવવાની જરૂર હતી
ફાઇલ તસવીર
ફિલ્મ: કટહલ : અ જૅકફ્રૂટ મિસ્ટરી
કાસ્ટ: સાન્યા મલ્હોત્રા, વિજય રાઝ, રાજપાલ યાદવ, રઘુબીર યાદવ અને અનંતવિજય જોશી
ADVERTISEMENT
ડિરેક્ટર: યશોવર્ધન મિશ્રા
રિવ્યુ: ૨.૫ (ટાઇમ પાસ)
સાન્યા મલ્હોત્રાની ‘કટહલ : અ જૅકફ્રૂટ મિસ્ટરી’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય રાઝ, રાજપાલ યાદવ, રઘુબીર યાદવ અને અનંતવિજય જોશી જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે.
ફિલ્મની સ્ટોરી કટહલની આસપાસ ફરે છે. ઉત્તર પ્રદેશના મોપા ગામમાં રહેતા એમએલએ મુન્નાલાલ પટેરિયાના ઘરમાં આવેલા કટહલ એટલે કે ફણસના ઝાડ પરથી બે કટહલ ચોરાઈ જાય છે. તે આ કટહલનું અથાણું બનાવીને ચીફ મિનિસ્ટરને મોકલવાનો હોય છે, કારણ કે એ મલેશિયાના અંકલ હૉન્ગ જાતનું કટહલ હોય છે. આથી તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે. આ કેસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મહિમા બસોર એટલે કે સાન્યા મલ્હોત્રાને મળે છે. તે કૉન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવીને ઇન્સ્પેક્ટર બની છે. જોકે તેનો બૉયફ્રેન્ડ સૌરભ દ્વિવેદી એટલે કે અંનતવિજય જોશી હજી પણ કૉન્સ્ટેબલ હોય છે. મહિમા નીચલી જાતિની છે અને તેના બૉયફ્રેન્ડથી પદમાં ઉપર હોય છે એટલે સૌરભના ઘરના સભ્યો એ માટે વાંધો ઉઠાવે છે. મહિમા આ કેસની તપાસ કરતાં તેને એક મહિલા ગાયબ હોવાની જાણ થાય છે. જોકે પૉલિટિકલ પ્રેશરને કારણે તેણે કટહલ પર ફોકસ કરવું પડે છે. આથી તેને માટે શું પ્રાયોરિટી છે એ નક્કી કરીને તે સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવે છે અને કટહલ શોધે છે.
આ ફિલ્મને યશોવર્ધન મિશ્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેણે આ સ્ટોરીને અશોક મિશ્રા સાથે મળીને લખી છે. ફિલ્મની સ્ટોરી ખૂબ સિમ્પલ છે, પરંતુ એમાં ખૂબ જ વ્યંગ છે. આ એક વ્યંગ્યાત્મક ફિલ્મ છે અને એમાં સોસાયટીમાં જે જાતિ અને ક્લાસને લઈને ભેદભાવ કરવામાં આવે છે એ દેખાડવામાં આવ્યું છે. જોકે તેમણે સ્ટોરી લખતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે ફિલ્મને સિરિયસ બનાવવામાં ન આવે અને એકદમ હલકીફૂલકી હોવા છતાં જે મેસેજ પહોંચાડવો છે એ પહોંચાડી શકાય. યશોવર્ધનની ડિરેક્ટર તરીકેને આ પહેલી ફિલ્મ છે. તેણે એને એકદમ સિમ્પલ રાખી છે. તે ઘણી વાર આઉટ ઑફ ફોકસ દેખાય છે, પરંતુ તેની પહેલી ફિલ્મ હોવા છતાં તેણે સારું કામ કર્યું છે. જો તે આ કટહલને થોડું વધુ પાકવા દેત એટલે કે આઉટ ઑફ ફોકસ ન થયું હોત તો ફિલ્મ ખૂબ સારી બની હોત. આ ફિલ્મમાં ડાયલૉગ પણ ખૂબ સિમ્પલ છે, પરંતુ એને વધુ વ્યંગ્યાત્મક બનાવી શકાયા હોત. ફિલ્મમાં મહિમા કહે છે કે મારું નામ મહિમા બસોર છે અને નીચી જાતિની હોવા છતાં તે ચોરી નથી કરતી, પરંતુ ચોરને પકડે છે. આ પ્રકારના હજી ઘણા ડાયલૉગ હોત તો મજા પડી ગઈ હોત.
સાન્યા મલ્હોત્રાએ એક પોલીસ ઑફિસર અને પ્રેમી બન્નેનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. જોકે એક વાત સમજની બહાર છે કે મહિલા પોલીસ અને પુરુષ પોલીસ બન્ને યુનિફૉર્મમાં હોય ત્યારે એકમેકને સ્પર્શ નથી કરી શકતાં, પરંતુ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં એને બિન્દાસ દેખાડવામાં આવ્યું છે તેમ જ સાન્યા હવે આયુષમાન ખુરાનાની જેમ એક સ્ટિરિયોટાઇપ ફિલ્મો કરતી જોવા મળી રહી છે. રાજપાલ યાદવને જે પાત્ર આપો એને તે ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. તેણે લોકલ જર્નલિસ્ટનું પાત્ર સારી રીતે ભજવ્યું છે, પરંતુ તેની હેર વિગ થોડી અળવીતરી લાગે છે. બજેટનો ઇશ્યુ હોય એવું લાગી રહ્યું છે. વિજય રાઝ ખૂબ ખતરનાક ઍક્ટર છે, પરંતુ આ ફિલ્મમાં તેની પાસે કોઈ કામ નથી લેવાયું. તે ફક્ત બે-ચાર દૃશ્યમાં તેના ચહેરા દ્વારા રીઍક્શન આપવા માટે જ હોય એવું લાગે છે. રઘુબીર યાદવ થોડા સમય માટે છે, પરંતુ તેની ઍક્ટિંગ અસર છોડી જાય છે.
ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે, પરંતુ એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાયો હોત. કૅમેરા-ઍન્ગલ એટલે કે સિનેમૅટોગ્રાફી અને મ્યુઝિક બન્ને ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ કોઈ પણ પ્રકારની હોહા વગર જે મેસેજ આપવા માગે છે એ આપે છે. જોકે આશ્ચર્યજનક વાત એ છે કે બૉલીવુડમાં છેલ્લા થોડા સમયથી ફિલ્મો હોય કે વેબ-શો દરેકમાં મહિલાઓને કિડનૅપ અને ગાયબ તથા બળાત્કાર જેવા વિષય પર જ પ્રોજેક્ટ કરાઈ રહી છે.