સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉલીવુડ-પ્રવેશની ઘોષણા કરી કરણ જોહરે
ઇબ્રાહિમ અલી ખાન
ફિલ્મમેકર કરણ જોહરે બૉલીવુડમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને બીજા ઘણા સ્ટારકિડ્સને લૉન્ચ કર્યા છે. કરણે બૉલીવુડમાં લૉન્ચ કરેલા સ્ટારકિડ્સની યાદીમાં લેટેસ્ટ નામ ઉમેરાયું છે સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનનું. હાલમાં કરણે ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમના ડેબ્યુની જાહેરાત કરીને જાહેર કર્યું કે ખાનપરિવારનાં લોહી અને જીન્સમાં ફિલ્મ્સ છે. આ અનાઉન્સમેન્ટ કરતી વખતે કરણે પછી સૈફ અને અમૃતા સાથેના પોતાના બૉન્ડિંગ વિશે પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઇબ્રાહિમની મમ્મી અમૃતા સિંહે ૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘દુનિયા’માં કરણ જોહરના પિતા યશ જોહર સાથે કામ કર્યું હતું. એ ફિલ્મ સાથે સંકળાયેલી યાદગીરી વિશે જણાવતાં કરણે કહ્યું હતું કે ‘હું જ્યારે ૧૨ વર્ષનો હતો ત્યારે મારી અને અમૃતા સિંહની પહેલી મુલાકાત થઈ હતી. તેઓ ધર્મા પ્રોડક્શન્સની ‘દુનિયા’માં મારા પિતા યશ જોહર સાથે કામ કરી રહ્યાં હતાં. મને યાદ છે કે એ સમયે કૅમેરા સામે તેમની એનર્જી અને ચાર્મ ગજબનાં હતાં. મને બરાબર યાદ છે કે મારી તેમની સાથેની પહેલી મુલાકાત પછી મેં તેમની અને તેમની હેરસ્ટાઇલિસ્ટ સાથે ચાઇનીઝ ડિનર કર્યું હતું અને પછી જેમ્સ બૉન્ડની ફિલ્મની મજા માણી હતી. અમે જ્યારે મળ્યાં હતાં એ ક્ષણથી જ તેમણે મને પોતીકો ગણી લીધો હતો અને આ તેમની આત્મીયતા હતી જે હવે તેમનાં બાળકોમાં પણ જળવાયેલી છે.’
સૈફ અલી ખાન સાથેની પોતાની પહેલી મુલાકાત વિશે વાત કરતાં કરણે લખ્યું હતું કે ‘સૈફ સાથે મારી પહેલી મુલાકાત આનંદ મહેન્દ્રુની ઑફિસમાં થઈ હતી. તે મને યંગ, ચાર્મિંગ, શાલીન અને બહુ નૅચરલ લાગ્યો હતો. ઇબ્રાહિમને મળતી વખતે પણ મને બરાબર આવી જ લાગણી થઈ હતી. સદ્નસીબે અમારા વચ્ચેનો આ ગાઢ મિત્રતાનો સંબંધ નેક્સ્ટ જનરેશન સુધી પણ જળવાયેલો રહ્યો છે.’
ખાનપરિવાર સાથેના પોતાના દાયકાઓ જૂના સંબંધ વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘હું આ પરિવારને ૪૦ વર્ષથી ઓળખું છું. ધર્મા પ્રોડક્શન્સે અમૃતા સાથે ‘દુનિયા’માં, સૈફ અલી ખાન સાથે ‘કલ હો ના હો’માં અને ‘કુરબાન’માં તથા સારા અલી ખાન સાથે ‘સિમ્બા’માં કામ કર્યું છે. ફિલ્મો તેમનાં લોહીમાં અને જીન્સમાં છે. ફિલ્મો ખાનપરિવારનું પૅશન છે. અમે નવી ટૅલન્ટ માટે રસ્તો બનાવી રહ્યા છીએ અને એને બહુ જલદી દુનિયા સામે રજૂ કરીશું.’
ઘણા સમયથી ચર્ચા હતી કે ઇબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શન્સની ‘સરઝમીન’થી બૉલીવુડમાં પ્રવેશ કરશે, પણ કરણે હવે સત્તાવાર જાહેરાત કરી છે. જોકે કરણે ફિલ્મના નામની સ્પષ્ટતા નથી કરી.
કાજોલની પહેલી ફિલ્મમાંથી પડતો મુકાયો હતો સૈફ, હવે કાજોલ ચમકશે ઇબ્રાહિમના ડેબ્યુમાં?
ચર્ચા પ્રમાણે ઇબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મનું નામ ‘સરઝમીન’ છે અને એમાં કાજોલનો પણ મહત્ત્વનો રોલ છે. આ કાસ્ટિંગનું ભૂતકાળના એક રસપ્રદ કિસ્સા સાથે જોડાણ છે. હકીકતમાં કાજોલની ડેબ્યુ ફિલ્મ ‘બેખુદી’માં તેની સાથે હીરો તરીકે સૈફને સાઇન કરવામાં આવ્યો હતો, પણ થોડા દિવસના શૂટિંગ પછી કોઈ સમસ્યા થતાં સૈફને રિપ્લેસ કરીને કાજોલના હીરો તરીકે કમલ સદાનાને સાઇન કરવામાં આવ્યો હતો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)