કપિલ ૨૦૧૫માં રિલીઝ થયેલી પોતાની ડેબ્યુ ફિલ્મના બીજા ભાગમાં પણ લીડ રોલમાં જોવા મળશે.
ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’
કૉમેડિયન અને ઍક્ટર કપિલ શર્મા હાલમાં ચર્ચામાં છે. હાલમાં તેને પાકિસ્તાનથી કથિત રીતે મારી નાખવાની ધમકી મળી હતી, જેના કારણે તેના ચાહકોના જીવ ઊંચા થઈ ગયા હતા. હવે આ ડરના વાતાવરણમાં ડર્યા વગર કપિલ શર્માએ પોતાની હિટ કૉમેડી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
કપિલ ૨૦૧૫માં રિલીઝ થયેલી પોતાની ડેબ્યુ ફિલ્મના બીજા ભાગમાં પણ લીડ રોલમાં જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુકલ્પ ગોસ્વામી કરી રહ્યા છે અને કપિલના ફૅન્સ આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. ફિલ્મમાં કપિલ સાથે મનજોત સિંહ જોવા મળશે. હાલમાં ફિલ્મની હિરોઇન કોણ હશે એ વિશે કોઈ જાણકારી નથી મળી.
કપિલને હીરો તરીકે ચમકાવતી પહેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી અને એનું ડિરેક્શન અબ્બાસ-મસ્તાને કર્યું હતું. આ એક કૉમેડી ફિલ્મ હતી. એમાં કપિલ શર્મા સિવાય અરબાઝ ખાન, મંજરી ફડનીસ, સિમરન કૌર મુંડી, એલી અવરામ, વરુણ શર્મા, સુપ્રિયા પાઠક, શરત સકસેના અને મનોજ જોશી જોવા મળ્યાં હતાં.