ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.
કંગના રનોટ અને સંદીપ સિંહ
કંગના રનોટ અને ફિલ્મમેકર સંદીપ સિંહ સાથે મળીને મેગા બજેટ ફિલ્મ બનાવવાનાં છે. ફિલ્મનું ટાઇટલ અને ડિરેક્ટરની જાહેરાત જલદી જ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. સંદીપનો અને પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગના રનોટે કૅપ્શન આપી કે ‘સંદીપ અને હું ૧૩ વર્ષથી ફ્રેન્ડ્સ છીએ અને ઘણા સમયથી ફિલ્મ સાથે બનાવવાની રાહ જોઈ રહ્યાં હતાં. હવે અમને યોગ્ય સબ્જેક્ટ મળી ગયો છે અને એને જલદી જ શરૂ કરવાનાં છીએ. મારી કરીઅરની આ ભવ્ય ફિલ્મ અને અતુલનીય રોલ રહેવાનો છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’
આ ભાગીદારી વિશે સંદીપ સિંહે કહ્યું કે ‘મારા માટે તો સપનું પૂરું થવા સમાન છે કે નૅશનલ અવૉર્ડ વિનર અને પદ્મશ્રીથી સન્માનિત કંગના રનોટ સાથે કામ કરવાની તક મળવાની છે. એક દાયકાથી હું તેની સાથે કામ કરવા માટે આતુર હતો. ફાઇનલી મારું વિઝન આ ફિલ્મમાં દેખાડવા મળશે. મેં તેને જે ફિલ્મ ઑફર કરી હતી એ એક ઍક્ટ્રેસ તરીકે તેને મૅચ નહોતી કરતી. એથી હું યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો. કંગનાની ઍક્ટિંગની ક્ષમતાને જોતાં તેના માટે સારી સ્ક્રિપ્ટ લખવી ચૅલેન્જિંગ હોય છે. મારી પાસે જ્યારે તેને બંધ બેસે એવો સબ્જેક્ટ આવ્યો તો મેં તરત તેનો સંપર્ક કર્યો અને આ વખતે તે મને ના ન કહી શકી. આ ફિલ્મ અને કૅરૅક્ટર સન્માનનીય અને યાદગાર રહેશે. આખા વિશ્વના દરેક ભારતીયને આ ફિલ્મ ગમશે. હું કંગનાનો આભારી છું કે તેણે અમારી ફ્રેન્ડશિપને એક ડગલું આગળ વધારી છે અને અમારા અસોસિએશનને યોગ્ય પરિણામ આપવા તરફ વાળવાનું માન આપ્યું છે.’