ઇન્દિરા ગાંધીની લાઇફ અને તેમના પ્રાઇમ મિનિસ્ટર તરીકેના કાર્યકાળને દેખાડતી આ ફિલ્મ ૨૪ નવેમ્બરે રિલીઝ થશે
કંગના રણોત
કંગના રનોટનું કહેવું છે કે ‘ઇમર્જન્સી’ દેશના ઇતિહાસનો કાળો અધ્યાય હોવાથી નવી પેઢીને એની માહિતી હોવી જરૂરી છે. ૧૯૭૫ની પચીસમી જૂનથી ૧૯૭૭ની ૨૧ માર્ચ સુધી એ વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાગુ કરી હતી. એ વખતે દેશની સ્થિતિ કેવી હતી એની માહિતી ‘ઇમર્જન્સી’ ફિલ્મમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મને કંગનાએ ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. સાથે જ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં પણ તે દેખાશે. ફિલ્મમાં તેની સાથે સ્વર્ગીય સતીશ કૌશિક, અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમણ પણ જોવા મળશે. ફિલ્મ વિશે કંગનાએ કહ્યું કે ‘આપણા દેશના ઇતિહાસનો ખૂબ અગત્યનો અને કાળો અધ્યાય એ ઇમર્જન્સી છે અને નવી પેઢીને એના વિશે માહિતી હોવી જરૂરી છે. આ મહત્ત્વની સ્ટોરી છે અને એને માટે હું સુપર-ટૅલન્ટેડ ઍક્ટર્સ જેવા કે સ્વર્ગીય સતીશજી, અનુપમજી, શ્રેયસ, મહિમા અને મિલિંદનો આભાર માનવા માગું છું, જેમણે આ ક્રીએટિવ જર્નીમાં મારો સાથ આપ્યો. ભારતના ઇતિહાસના આ અસાધારણ એપિસોડને મોટી સ્ક્રીન પર દેખાડવા માટે હું આતુર છું. જય હિન્દ.’
ફિલ્મની રિલીઝની તારીખ કંગનાએ જાહેર કરી છે. ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘રક્ષક કે પછી સરમુખત્યાર? આપણા દેશના ઇતિહાસના એ કાળા તબક્કાના સાક્ષી બનો જ્યારે દેશના નેતાએ દેશના લોકો સાથે જ યુદ્ધની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં ‘ઇમર્જન્સી’ આ વર્ષે ૨૪ નવેમ્બરે રિલીઝ થશે.’