સિખ સમાજે ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની કરી માગણી
ફિલ્મનો સીન
કંગના રનૌતે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’ પર વિરોધનાં વાદળ ઘેરાઈ ગયાં છે. સિખ સમાજે આ ફિલ્મ પર પ્રતિબંધ લાવવાની માગણી કરી છે. તેમનું એવું માનવું છે કે આ ફિલ્મમાં તેમને ખોટી રીતે દેખાડવામાં આવ્યા છે. ૬ સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ ૧૯૭૫માં દેશમાં લાગેલી ઇમર્જન્સી પર પ્રકાશ પાડશે. ફિલ્મમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કંગનાએ ભજવ્યો છે. ઇન્દિરા ગાંધીની જર્ની અને તેમને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો એ વિશે ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એને જોતાં સિખ સંસ્થાઓએ એ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. અકાલ તખ્ત અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો છે. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ હરજિન્દર સિંહ ધામીનું માનવું છે કે ફિલ્મમાં સિખ સમાજ અને ઇતિહાસને અપમાનિત કરવામાં આવ્યો છે, સાથે જ સિખોને નકારાત્મક રીતે દેખાડવામાં આવ્યા છે. હરજિન્દર સિંહ ધામીએ સેન્સર બૉર્ડને પણ તાકીદ કરી છે કે ભારતીય ફિલ્મોમાં સિખ સમાજની લાગણી ન દુભાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે.