તેનું કહેવું છે કે તે ત્રણેય ખાનની ટૅલન્ટને દેખાડવા માગે છે
કંગના રનૌત
કંગના રનૌત ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટરની સાથે સંસદસભ્ય પણ છે. તેની ઇચ્છા છે કે તે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાનની ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરે. તેનું કહેવું છે કે તે ત્રણેય ખાનની ટૅલન્ટને દેખાડવા માગે છે. કંગનાએ તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ને ડિરેક્ટ કરી છે. એ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનાં રોલમાં છે. ત્રણેય ખાન સાથે કામ કરવા વિશે કંગના કહે છે, ‘મારે એવી ફિલ્મ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવી છે જેમાં ત્રણેય ખાન હોય. મારે તેમની ટૅલન્ટેડ સાઇડ દેખાડવી છે જેમાં તેઓ ઍક્ટરની સાથે આકર્ષક પણ દેખાતા હોય. તેમનું કામ સમાજમાં સારી અસર કરશે. તેઓ ટૅલન્ટેડ છે અને ઇન્ડસ્ટ્રીને ખૂબ આવક રળી આપે છે. આપણે તેમનો આભાર માનવો જોઈએ. તેઓ અસંખ્ય લોકો સાથે જોડાય છે.’
લાઇફમાં એક વાતનો વસવસો તેને રહી ગયો છે. ઇરફાનને ડિરેક્ટ કરવાની તેની ઇચ્છા પૂરી ન થઈ શકી. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે તેનું કૅન્સર સામે લાંબા જંગ બાદ અવસાન થયું હતું. ઇરફાનને યાદ કરતાં કંગના કહે છે, ‘મારે અનેક ઍક્ટર્સ સાથે કામ કરવું છે. એક ઍક્ટર એવા છે ઇરફાન ખાન સાહેબ, જેમને ડિરેક્ટ ન કરવાનો મને વસવસો છે. તેઓ મારા ફેવરિટ ખાન્સમાંના એક છે. હું તેમને હંમેશાં મિસ કરતી રહીશ.’