કંગનાના કેસમાં હૃતિક રોશન આજે નોંધાવશે સ્ટેટમેન્ટ
હૃતિક રોશન
કંગના રનોટ સાથે ૨૦૧૬માં ઈ-મેઇલ્સને લઈને થયેલા વિવાદના કેસમાં હૃતિક રોશન આજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સામે સ્ટેટમેન્ટ નોંધાવવા જશે. હૃતિકે ફરિયાદ દાખલ કરી હતી કે કોઈ તેના નામના બનાવટી ઈ-મેઇલ આઇડીથી કંગનાને ઈ-મેઇલ મોકલે છે. જોકે બાદમાં કંગનાએ કહ્યું હતું કે આ ઈ-મેઇલ આઇડી તો હૃતિકે જ તેને આપ્યું હતું અને ૨૦૧૪થી બન્ને એ આઇડીથી જ વાત કરે છે. એના પરથી જ ૨૦૧૩ અને ૨૦૧૪માં ઈ-મેઇલ્સ મોકલવામાં આવી હતી. બાદમાં કંગનાએ હૃતિકને સિલી એક્સ કહ્યો હતો. એથી ૨૦૧૬માં હૃતિકે તેને લીગલ નોટિસ મોકલી હતી. સાથે જ દાવો કર્યો હતો કે કંગના સાથે તેના કોઈ રિલેશન્સ નથી. કંગના અને હૃતિકે ૨૦૧૦માં આવેલી ‘કાઇટ્સ’ અને ૨૦૧૩માં આવેલી ‘ક્રિશ 3’માં સાથે કામ કર્યું હતું. ૨૦૧૬માં સાઇબર સેલે હૃતિકના લૅપટૉપ અને ફોન લઈને ખાસ્સી તપાસ પણ કરી હતી. કંગના પર આરોપ લગાવતાં હૃતિકે કહ્યું હતું કે તેને સેંકડો ઈ-મેઇલ્સ મોકલીને સતાવવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં પોલીસે તપાસ દરમ્યાન કંગનાનું સ્ટેટમેન્ટ પણ લીધું હતું. આમ છતાં કંગનાએ એ વાત પર જ ભાર રાખ્યો હતો કે તેણે કોઈ ઈ-મેઇલ્સ નથી મોકલી. મુંબઈ પોલીસના સાઇબર સેલ પાસે આ કેસ હતો. જોકે હૃતિકના વકીલ મહેશ જેઠમલાણીની અપીલ પર ૨૦૨૦ના ડિસેમ્બરમાં ક્રિમિનલ ઇન્ટેલિજન્સ યુનિટને ટ્રાન્સફર કર્યો છે.

